પત્નીના પ્રેમસંબંધ અને પિયર ગયા બાદ છૂટાછેડાનું દબાણ કરતા યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ
Gondal,તા.07
ગોંડલ તાલુકાના ભૂણાવા ગામમાં કૌટુંબિક કલેશના કારણે ૪૫ વર્ષીય પ્રોઢે એસિડ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. જેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પત્નીના અન્ય શખ્સ સાથેના પ્રેમ સંબંધ અને સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતી ધમકીઓથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ તાલુકાના ભૂણાવા ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિજયભાઈ મયાભાઈ મકવાણા (ઉં.વ. ૪૫)એ ગઈકાલે સવારે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘરે એસિડ ગટગટાવી લીધું હતું. હાલત લથડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે.
હોસ્પિટલના બિછાનેથી વિજયભાઈએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેમની પત્ની નિશાબેનને છેલ્લા પાંચ વર્ષથી બાબુભાઈ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ છે. પત્ની અવારનવાર તેની સાથે ફોન પર વાતચીત અને મેસેજ કરતી હતી, જે બાબતે વિજયભાઈએ અનેકવાર મનાઈ કરી હતી. ચાર દિવસ પહેલા પત્નીને ફોન પર વાત કરતા પકડી લેતા દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આવેશમાં આવીને વિજયભાઈએ પત્નીના માથામાં હથોડો મારી દેતા તેણી રિસાઈને પિયર ચાલી ગઈ હતી. વિજયભાઈના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા તેમના સાસુ અને પત્નીના મામાનો દીકરો તેમના ઘરે આવ્યા હતા. તેઓએ વિજયભાઈ સાથે ઝઘડો કરી મારપીટ કરી હતી અને છૂટાછેડા આપી દેવા દબાણ કર્યું હતું. પત્નીના ચારિત્ર્ય પરના શંકા-કુશંકા અને સાસરી પક્ષના માનસિક-શારીરિક ત્રાસથી કંટાળીને અંતે તેમણે એસિડ પી લીધું હતું.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વિજયભાઈ મકવાણા બે ભાઈ અને ત્રણ બહેનોમાં વચેટ છે. તેમને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. મજૂરી કામ કરી ઘર ચલાવતા પ્રોઢના આ પગલાથી પરિવારમાં દોડધામ મચી ગઈ છે. હાલમાં પોલીસે વિજયભાઈનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

