Gondal તા.20
ગોંડલમાં ચાની કેબીન ધરાવતો યુવાન વ્યાજખોરીમાં ફસાયો હતો. રાજકોટ-ગોંડલના ચાર વ્યાજખોરોએ રૂ.2 લાખ સામે 2.40 લાખ પડાવી વધું રૂપીયા પડાવવા ક્રેટા કાર પણ બળઝબરીથી આંચકી લઈ દાદાગીરી કરતાં પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
બનાવ અંગે ગોંડલમાં નવા માર્કેટિંગ યાર્ડ પાછળ શિવમ સોસાયટીમાં રહેતાં ધર્મેશભાઈ મનસુખભાઈ મકવાણા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વસીમ આરબ (રહે. ગોંડલ), અનીલ ધ્રાંગા, બ્રિજરાજસિંહ ઉર્ફે કાના જાડેજા અને અર્જુનસિંહ ભાવસિંહ જેઠવા (રહે.બંને રાજકોટ)નું નામ આપતાં ગોંડલ બી. ડિવિઝન પોલીસે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે છુટક ડ્રાઇવીંગની સાથે હાલ ગોંડલ કોર્ટ સામે ચા ની કેબીન છે ત્યાં બેસી ધંધો કરે છે. તેમની પાસે ક્રેટા ગાડી છે. જે મીત્ર દીવ્યેશભાઈ રૈયાણીના નામની છે પરંતુ આ ગાડીના હપ્તા તેઓ ભરે છે.
ચારેક મહીના પહેલા ચા ની કેબીન કરવી હોય જેથી ધંધા માટે પૈસાની જરૂર પડતા મીત્ર સુમરા સોસાયટીમા રહેતા વશીમ આરબને વાત કરેલ તો બીજે દીવસે તા.04/11/2025 ના તેના મીત્ર અનીલભાઇ ધ્રાંગાને બોલાવેલ અને અનીલને વાત કરેલ કે, મારે બે લાખ રૂપીયાની જરૂર છે, તો અનીલે કહેલ કે, 10 % વ્યાજ થશે, જેથી હા પાડેલ હતી. તેમજ કહેલ કે, રાજકોટ કાનભાઈ જાડેજા પાસેથી કરાવી આપીશ અને આપણે તેને લખાણ કરી આપવું પડશે.
બે દીવસ બાદ તા.05/11/2025 ના તેઓ ક્રેટા ગાડી લઈને રાજકોટ માધાપર ચોકડીએ ગયેલ અને ત્યા કાનભાઈ જાડેજાએ માધાપર ચોકડીએ પાનની દુકાને બોલાવેલ હતો. તેને ક્રેટા ગાડી જોયેલ અને એક લાખ રૂપીયા રોકડા આપેલ અને કહેલ કે કાલે પાછા આવજો અને બાકીના 80 હજાર લઇ જાજો.
જેથી પરત ગોંડલ આવતા રહેલ અને બીજે દીવસે રાજકોટ હોસ્પીટલ ચોકમા કોર્ટ પાસે બોલાવેલ જેથી ક્રેટા ગાડી લઈને રાજકોટ હોસ્પીટલ ચોકમા ગયેલ જયાં અર્જુનસિંહ જેઠવા તથા આ કાનભાઈ જાડેજા હાજર હોય તેમણે કહેલ કે, તારે ગાડી પણ અહીં મુકવી પડશે. જેથી તેમને કહેલ કે, આપણે એવી કોઇ વાત થયેલ નથી તો મને ધમકી આપી કહેલ કે, ગાડીતો તારે મુકવી જ પડશે નહીતર અહીંથી જીવતો નહી જા, તેમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરીયાદી પાસેથી ગાડી પણ લઇ લીધેલ અને આ અર્જુનસિંહ જેઠવાના નામનુ ગાડી વેચવાનુ તા.06/11/2025 ના રોજ લખાણ પણ કરાવી લીધેલ અને 10 ટકા લેખે રૂ. 20 હજાર એડવાન્સ વ્યાજ કાપી મને રૂ.80 હજાર આપેલ બાદ યુવાન ગોંડલ આવતો રહેલ હતો. બાદ ડિસેમ્બર 2025 નુ વ્યાજ યુવાન આપી શકેલ નહી જેથી આ વશીમ અને અનીલ ધ્રાંગા કેબિને આવી વ્યાજના પૈસાની ઉઘરાણી કરતા અને ધમકીઓ આપતા હતાં.
બાદ તા. 10/01/2026ના વ્યાજના રૂ.40 હજાર રોકડા કેબીને અનીલ ધ્રાંગાને આપેલ બાદ પૈસાની વ્યવસ્થા થઈ જતા રાજકોટ વાળા કાના જાડેજાને ફોન કરી ગાડી પરત આપવા અને તેમના પૈસા લઇ જવા જણાવતા કહેલ કે, તારી ગાડી મારી પાસે નથી અનીલભાઈ પાસે છે તુ અનીલ સાથે સમજી લે જેથી અનીલને ફોન કરતા તેણે મને કહેલ કે, પહેલા પૈસા આપી જા પછી ગાડી આપુ.
તેને કહેલ પહેલા મારી ગાડી આપો પછી પૈસા આપુ તેમ વાત થયેલ અને આ લોકો ગાડી આપતા ન હોય જેથી એકાદ મહીના પહેલા વશીમને રૂ.80 હજાર કોર્ટ પાસે આવેલ કેબીને આપેલ અને તા.17/04/2026 ના રોજ આ બ્રીજરાજસિંહ જાડેજા રૂ.90 હજાર ગુગલ-પે થી રાજકોટમા જ આપેલ અને રૂ, 10 હજાર રોકડા આપેલ હતા.
બાદ કહેલ કે તે વશીમને જે રૂ.80 હજાર આપેલ છે, તે અનીલ પાસે છે, તે 80 હજાર અનીલ મને આપે એટલે તને તારી ગાડી આપી દઉં તેવી વાત થયેલ. બાદ આ ત્રણેયમાથી કોઇ જવાબ આપતા ન હોય અને મારો ફોન પણ ઉપાડતા ન હોય જેથી ફરીયાદ નોંધાવી હતી.

