માનસિક અસ્વસ્થતાના કારણે હર્ષાબેન કાકડિયાએ અંતિમ પગલું ભર્યું, બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી
Rajkot તા.08
શહેરના સોરઠિયા વાડી વિસ્તારમાં માનસિક બીમારીથી કંટાળીને 49 વર્ષીય પ્રોઢાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવને પગલે કાકડિયા પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, સોરઠિયા વાડી શેરી નંબર 6 માં રહેતા હર્ષાબેન હિતેશભાઈ કાકડિયા (ઉં.વ. 49) ગઈકાલે સાંજે 4:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. આ દરમિયાન તેમણે માનસિક અસ્વસ્થતાના કારણે આવેશમાં આવી બારીના પડદાના પાઈપ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.પરિવારના સભ્યોને જાણ થતા તુરંત જ 108 મારફતે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર, હર્ષાબેન છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. બીમારીના કારણે તેઓ સતત ચિંતામાં રહેતા હતા અને આખરે કંટાળીને તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક હર્ષાબેનના પતિ કારખાનું ચલાવે છે. હર્ષાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. માતાના અકાળે મોતથી સંતાનોએ છત્રછાયા ગુમાવી છે. હાલ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

