તબિયત લથડતા પ્રથમ લોધિકા અને બાદ Rajkot જનાના હોસ્પિટલમાં ખસેડતા માસૂમે દમ તોડ્યો, પરિવારમાં શોક
Rajkot તા.૨૨
લોધિકા તાલુકાના ચીભડા ગામે ૩ વર્ષની દીકરીનું એક દિવસ તાવ આવ્યા બાદ બેભાન હાલતમાં તેમને પ્રથમ લોધિકા ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, લોધિકા તાલુકાના ચીભડા ગામે રહેતા લોકેશભાઈ ભુંદરીયાની ૩ વર્ષની પુત્રી રાધિકાને ગત ગુરુવારે અચાનક તાવ આવી ગયો હતો. બાળકીની તબિયત લથડતાં પરિવારજનો તેને તાત્કાલિક પ્રથમ સારવાર માટે લોધિકા ખાતે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકીની સ્થિતિ વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન માસૂમ બાળકીએ દમ તોડયો હતો.સંતાનોમાં ત્રણ દીકરી અને એક દીકરામાં રાધિકા સૌથી નાની અને ઘરની લાડકી હતી. માસૂમ દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

