New Delhi, તા.9
કોલકાતા નાઇટરાઇડર્સ જેવી ત્રણ વખતની ચેમ્પિયન ટીમ પાસેથી દરેક સિઝનમાં દમદાર શરૂઆત અને મજબૂત પ્રદર્શનની અપેક્ષા રહેતી હોય છે, પરંતુ આ વખતની શરૂઆત ટીમ માટે ચિંતાજનક સાબિત થઈ રહી છે. 3 વખતથી ચેમ્પિયન કોલકાતા નાઇટરાઇડર્સ માટે આ સિઝનની શરૂઆત નિરાશાજનક રહી છે.
ગઈકાલ રાત્રે કોલકાતામાં વરસાદને કારણે મેચ રદ્દ ન થઈ હોત, તો કદાચ ટીમને પોતાનું ખાતુ ખોલવું મુશ્કેલ હોત. કોલકાતાના આ પ્રદર્શન પાછળ તેમના ટોચના ક્રમની નિષ્ફળતા અને ટીમનું સંતુલન-વ્યૂહરચનાને જવાબદાર ગણાવી શકાય.
ટીમ પાસે ફિન એલન અને ટિમ સેફર્ટ જેવી મજબૂત ઓપનિંગ જોડી હોવા છતાં, કેપ્ટન અજિંક્ય રહાણેની ઇનિંગ્સની શરૂઆત કરવાની જિદ્દને કારણે સીફર્ટને હજુ સુધી અંતિમ અગિયારમાં સ્થાન મળ્યું નથી.
ગયા T-20 વર્લ્ડ કપમાં એલન અને સેફર્ટે કેવી ધમાલ મચાવી હતી તે સૌ જાણે છે, અને આ જોડી પાસેથી આ લીગમાં પણ યાદગાર પ્રદર્શનની અપેક્ષા હતી. આ સીઝનમાં રહાણેના ફોર્મ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે, જેને તેમણે આલોચકોની ટીકા ગણાવી અને દાવો કર્યો કે તેનો સ્ટ્રાઈક રેટ છેલ્લા કેટલાક સિઝનમાં શ્રેષ્ઠ હતો.
રહાણેના શ્રેષ્ઠ સ્ટ્રાઇક રેટના દાવામાં થોડીક સત્યતા છે. ક્રિકેટ ચાહકોએ 2023ની સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા તેનો એક નવો દેખાવ જોયો, જ્યાં તે બોલને જોરદાર રીતે ફટકારી રહ્યો હતો. તે સીઝનમાં, રહાણેનો પાવરપ્લેમાં સ્ટ્રાઇક રેટ 200 થી વધુ હતો, અને અન્ય કોઈ બેટ્સમેન તેની નજીક પણ નહોતો આવ્યો.
યાદીમાં બીજા ક્રમે રહેલા યશસ્વી જયસ્વાલનો સ્ટ્રાઇક રેટ 175.24 હતો. તે સીઝનમાં પાવરપ્લે દરમિયાન તે એક પણ વખત આઉટ થયો ન હતો. જોકે, રહાણેની બેટિંગમાં આગામી બે સીઝનમાં તેવો જ દેખાવ જોવા મળ્યો નહીં.

