New Delhi,તા.21
દેશમાં આઈપીએલનો રોમાંચ હવે વધવા લાગ્યો છે અને આગામી માસમાં તે ચરમસીમાએ હશે. દેશ વિદેશના કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓ ક્રિકેટના નવા રેકોર્ડ પણ બનાવી રહ્યા છે તથા ડ્રોઈંગરૂમથી સ્ટેડીયમ સુધી તેની ચર્ચા થાય છે.
તે સમયે આઈપીએલના ફ્રેન્ચાઈઝીઓએ નાણા મંત્રાલયને પત્ર લખી આઈપીએલમાં સ્ટેડીયમ ટિકીટ પર અત્યાર સુધીના 18%ને બદલે હવે 40% જીએસટી લાદવાના નિર્ણય સામે પ્રશ્ન ઉઠાવીને તેના પર પુનઃ વિચારણા કરવા માંગ કરી છે.
દેશમાં ગત વર્ષે જીએસટીના માળખામાં મોટા ફેરફાર કરાયા અને જે રીતે 28%નો સ્લેબ નાબુદ કરાયો પછી 40%નો ઉંચો સ્લેબ જેમાં શરાબ, સિગારેટ, તંબાકુ, પાનમસાલાની સાથે આઈપીએલ સ્ટેડીયમ ટિકીટને પણ 40 ટકાના ઉંચા સ્લેબમાં લાવી દીધી છે.
જયારે ક્રિકેટ બોર્ડે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ભારત આ યોજે છે તેની સ્ટેડીયમ ટિકીટના દર પર 18% જ જીએસટી વસુલાય છે અને તેની સામે હવે આઈપીએલ ફ્રેન્ચાઈઝીની દલીલ છે કે આઈપીએલને ફકત મનોરંજન તરીકે જ જોવું જોઈએ નહી.
આ એક કૌટુંબિક મનોરંજન છે જે સ્ટેડીયમથી ઘરોમાં સૌ સાથે બેસી જોઈ શકે છે. એટલું જ નહી આઈપીએલથી સ્પોર્ટ ટુરીઝમ, હોટલ, વિમાની, મનોરંજન, ખીણીપીણી વિ. ઉદ્યોગને પણ લાભ મળે છે તેને પાનમસાલા કે શરાબ જેવા `સીન-ગુડસ’ સાથે સરખાવી શકાય નહી.
તેને કસીનો કે જુગાર સાથે પણ સરખામણી કરી શકાય નહી. એટલું જ નહી મોંઘી હોટેલ, ફર્સ્ટ કલાસ એર ટ્રાવેલ પર 18% ટેક્ષ છે તો આઈપીએલને તેમાં કેમ જુદુ પાડી શકાય તે પ્રશ્ન ઉઠાવાયો છે.
સરકાર મનોરંજન પાર્ક, સાંસ્કૃતિક આયોજનો, સરકસ, ભારતીય લોકનૃત્યો, પર્ફોમન્સ ઈવેન્ટ, થીમ પાક જેવા મનોરંજનમાં પણ 18% જ જીએસટી વસુલે છે. આઈપીએલની ક્રિકેટ ટેલેન્ટને પણ પ્રોત્સાહન મળે છે અને ભારતને ક્રિકેટમાં શ્રેષ્ઠ બનાવવામાં તેની ભૂમિકા છે.
હવે આ અંગે નાણા વિભાગ વિચારણા કરી આગામી માસમાં મળનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં કોઈ મુદો મુકાય છે કે કેમ તેના પર નજર છે.

