New York, તા.9
જમૈકાથી ન્યૂયોર્ક જઈ રહેલી કેરેબિયન એરલાઇન્સની એક ફ્લાઇટમાં હજારો ફૂટની ઊંચાઈ પર મુસાફરી કરી રહેલી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી.
વિમાન જોન એફ. કેનેડી એરપોર્ટ પર લેન્ડ થાય તે પહેલાં જ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એરલાઇને બાળક અને તેની માતાની ઓળખ જાહેર કર્યા વિના આ ઘટનાની પુષ્ટિ કરી છે. માતા અને બાળક બંને સ્વસ્થ છે.
હવે સવાલ બાળકની નાગરિકતાનો છે. અમેરિકન કાયદા અનુસાર, દરિયાકાંઠાથી 12 માઈલ સુધીનું હવાઈ ક્ષેત્ર દેશનું ક્ષેત્ર માનવામાં આવે છે. જો જન્મ આ મર્યાદામાં થયો હોય, તો 14મા સુધારા હેઠળ બાળક આપોઆપ અમેરિકન નાગરિક ગણાશે.
આના પુરાવા તરીકે ચોક્કસ અક્ષાંશ-રેખાંશ મેળવવા માટે વિમાનના મેડિકલ લોગ અથવા કેપ્ટનના લોગની જરૂર પડશે. બીજી તરફ, જો તેના માતા-પિતામાંથી કોઈ પણ અમેરિકન નાગરિક હોય, તો બાળકને અમેરિકન નાગરિકતા મળી જશે.
એટીસીએ કર્યું બાળકનું `નામકરણ’
જ્યારે વિમાન કેનેડી એરપોર્ટની નજીક હતું, ત્યારે એર ટ્રાફિક કંટ્રોલરે પાયલોટને પૂછ્યું કે ‘બાળકનો જન્મ થઈ ગયો છે?’ અને પાયલોટે ‘હા’ માં જવાબ આપ્યો, ત્યારે કંટ્રોલરે હસતાં હસતાં સૂચન કર્યું, `માતાને કહેજો કે તેનું નામ ‘કેનેડી’ રાખે.’
આવા જન્મ અત્યંત દુર્લભ
ગયા વર્ષે જુલાઈમાં મસ્કતથી મુંબઈ આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં એક થાઈ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ઉપલબ્ધ સંશોધન મુજબ, 1929 થી 2018 ની વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટ્સમાં માત્ર 74 ‘ઇન-ફ્લાઇટ બર્થ’ નોંધાયાં છે. તે પછીના કિસ્સાઓને જોડીને આ સંખ્યા 100 થી ઓછી માનવામાં આવે છે.
નાગરિકતાના નિયમો
અમેરિકા અને કેનેડામાં ‘જસ સોલી’ એટલે કે જન્મસ્થળના આધારે તેમના હવાઈ અથવા જળ ક્ષેત્રમાં જન્મેલા બાળકને નાગરિકતા આપી શકે છે. જ્યારે ઘણાં દેશો ‘જસ સેંગ્વિનિસ’ એટલે કે માતા-પિતાની નાગરિકતાને આધાર માને છે. જ્યાં બંને નિયમો લાગું ન પડતાં હોય, ત્યાં વિમાનના રજિસ્ટ્રેશન વાળા દેશની નાગરિકતા બાળકને મળે છે.

