વિનોદભાઇ માછી નિરંકારી
હવે ભગવાન આગળના શ્ર્લોક(૪/૨૦)માં પંડીતોના લક્ષણ બતાવે છે.
ત્યક્ત્વા કર્મફલાસઙ્ગં નિત્યતૃપ્તો નિરાશ્રયઃ
કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિંચિત્કરોતિ સઃ
(કર્મફલા-જે કર્મો તેમજ, સઙ્ગમ્-ફળની આસક્તિનો, ત્યક્ત્વા-ત્યાગ કરીને, નિરાશ્રયઃ-આશ્રયથી રહિત તથા, નિત્યતૃપ્ત-સદાય તૃપ્ત છે, સઃ-તે, કર્મણિ-કર્મોમાં, અભિપ્રવૃત્તઃ-સારી રીતે વર્તતો હોવાછતાં, અપિ-પણ વાસ્તવમાં, કિંચિત્-કંઇ, એવ-જ, ન-નથી, કરોતિ-કરતો.)
જે સાધક કર્મો તેમજ ફળની આસક્તિનો ત્યાગ કરીને આશ્રયથી રહિત તથા સદાય તૃપ્ત છે તે કર્મોમાં સારી રીતે વર્તતો હોવાછતાં પણ વાસ્તવમાં કંઇ જ કરતો નથી.
‘ત્યક્ત્વા કર્મફલાસઙ્ગં’-જ્યારે કર્મ કરતી વખતે કર્તાનો એ ભાવ રહે છે કે શરીર વગેરે કર્મસામગ્રી મારી છે, હું કર્મ કરૂં છું, કર્મ મારૂં અને મારા માટે છે તથા એનું મને અમુક ફળ મળશે, ત્યારે તે કર્મફળની ઇચ્છાવાળો બની જાય છે. કર્મયોગથી સિદ્ધ મહાપુરૂષને પ્રાકૃત પદાર્થોથી સર્વથા સબંધ વિચ્છેદનો અનુભવ થઇ જાય છે એટલા માટે કર્મ કરવાની સામગ્રીમાં-કર્મમાં તથા કર્મફળમાં સહેજપણ આસક્તિ ન રહેવાના કારણે તે કર્મફળની ઇચ્છાવાળો બનતો નથી.
સેના વિજ્યની ઇચ્છાથી યુદ્ધ કરે છે.વિજ્ય થતાં વિજ્ય સેનાનો નહી પરંતુ રાજાનો માનવામાં આવે છે કેમકે રાજા એ જ સેનાના જીવન-નિર્વાહનો પ્રબંધ કર્યો છે, તેને યુદ્ધ કરવાની સામગ્રી આપી છે અને તેને યુદ્ધ કરવાની પ્રેરણા કરી છે અને સેના પણ રાજાના માટે જ યુદ્ધ કરે છે, એવી જ રીતે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે કર્મસામગ્રીની સાથે સબંધ જોડવાથી જ જીવ તેમના દ્વારા કરેલાં કર્મોના ફળનો ભાગીદાર બને છે. કર્મસામગ્રીની સાથે સહેજપણ સબંધ ન હોવાના કારણે મહાપુરૂષનો કર્મફળની સાથે કોઇ સબંધ હોતો નથી. વાસ્તવમાં કર્મફળની સાથે સ્વરૂપનો સબંધ છે જ નહી કારણ કે સ્વરૂપ ચેતન-અવિનાશી અને નિર્વિકાર છે પરંતુ કર્મ અને કર્મફળ-બંન્ને જડ તથા વિકારી છે અને તેમનો આરંભ તથા અંત હોય છે. સદા સ્વરૂપની સાથે ન તો કોઇ કર્મ રહે છે તથા ન કોઇ ફળ પણ રહે છે. આ રીતે જો કે કર્મ અને ફળ સાથે સ્વરૂપનો કોઇ સબંધ નથી તો પણ જીવે ભૂલથી તેમની સાથે પોતાનો સબંધ માની લીધો છે. આ માની લીધેલો સબંધ જ બંધનનું કારણ છે. જો આ માની લીધેલો સબંધ દૂર થઇ જાય તો કર્મ અને ફળ સાથેની તેની સ્વતઃસિદ્ધ નિર્લિપ્તતાનો બોધ થઇ જાય છે.
ગીતા વારંવાર અનાસક્તિની ચર્ચા કરે છે. આવા અનાસક્ત સાધક ભક્તનાં બે લક્ષણો બતાવે છેઃ નિત્યતૃપ્તો અને બીજું લક્ષણ છે નિરાશ્રય. નિત્યતૃપ્તો-તૃપ્ત શબ્દ સુખનો પર્યાય છે. અતૃપ્ત દુઃખનો પર્યાય છે. જે તૃપ્ત છે તે જ સુખી છે. તૃપ્તિઓ છ પ્રકારની છે.જળતૃપ્તિ, આહારતૃપ્તિ, વાસનાતૃપ્તિ, ધનતૃપ્તિ, જ્ઞાનતૃપ્તિ અને આત્મતૃપ્તિ.
જીવ-આત્મા પરમાત્માનો સનાતન અંશ હોવાથી સત્ સ્વરૂપ છે. સતનો ક્યારેય ભાવ હોતો નથી પરંતુ જ્યારે તે અસતની સાથે પોતાનો સબંધ માની લે છે ત્યારે તેને પોતાનામાં અભાવ એટલે કે ઉણપનો અનુભવ થવા લાગે છે, તે ઉણપની પૂર્તિ કરવા માટે તે સાંસારીક વસ્તુઓની કામના કરવા લાગે છે. ઇચ્છિત વસ્તુઓના મળવાથી એક તૃપ્તિ થાય છે પરંતુ તે તૃપ્તિ ટકતી નથી, તે ક્ષણિક હોય છે કારણ કે સંસારની પ્રત્યેક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરે પ્રત્યેક ક્ષણે અભાવની તરફ જઇ રહી છે. આથી તેમને આશ્રયે રહેવાવાળી તૃપ્તિ સ્થાયી કેવી રીતે રહી શકે? સત્ વસ્તુની તૃપ્તિ અસત્ વસ્તુ વડે થઇ જ કેવી રીતે શકે? આથી જીવ જ્યાં સુધી ઉત્પત્તિ-વિનાશશીલ ક્રિયાઓ અને પદાર્થો સાથે પોતાનો સબંધ માને છે તથા તેમનો આશ્રિત રહે છે ત્યાં સુધી તેને સ્વતઃસિદ્ધ નિત્યતૃપ્તિનો અનુભવ થતો નથી. કર્મયોગ વડે સિદ્ધ મહાપુરૂષ નિરાશ્રય એટલે કે સંસારના આશ્રયથી સર્વથા રહિત હોય છે એટલા માટે તેને સ્વતઃસિદ્ધ નિત્ય તૃપ્તિનો અનુભવ થઇ જાય છે.
દેશ, કાળ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ વગેરેનો સહેજપણ આશ્રય ના લેવો એને જ નિરાશ્રય એટલે કે આશ્રયથી રહિત રહેવું એમ કહેવાય. કેટલોય મોટો ધનવાન કે રાજા મહારાજા કેમ ના હોય તેને સ્થળ, કાળ વગેરેનો આશ્રય લેવો જ પડે છે પરંતુ કર્મયોગ વડે સિદ્ધ મહાપુરૂષ સ્થળ, કાળ વગેરેનો કોઇ આશ્રય માનતો નથી. આશ્રય મળે કે ના મળે-તેની તેને સહેજપણ પરવા હોતી નથી એટલા માટે તે નિરાશ્રય હોય છે.
‘કર્મણ્યભિપ્રવૃત્તોઽપિ નૈવ કિંચિત્કરોતિ સઃ’ પદનું તાત્પર્ય એ છે કે કર્મયોગથી સિદ્ધ મહાપુરૂષ દ્વારા થવાવાળાં તમામ કર્મો સાંગોપાંગ રીતે થાય છે કેમકે કર્મફળમાં તેની સહેજપણ આસક્તિ હોતી નથી. તેનાં તમામ કર્મો ફક્ત સંસારના માટે જ હોય છે. જેની કર્મફળમાં આસક્તિ હોય છે તે સાંગોપાંગ રીતે કર્મો કરી શકતો નથી કેમકે ફળની સાથે સબંધ હોવાથી કર્મ કરતો હોવા છતાં વચ્ચે-વચ્ચે ફળનું ચિંતન થવાથી તેની શક્તિ વ્યર્થ ખર્ચાઇ જાય છે જેથી તેની શક્તિ પુરી રીતે કર્મ કરવામાં લાગતી નથી.
‘અપિ’ પદનું તાત્પર્ય એ છે કે સાંગોપાંગ રીતે બધા કર્મો કરતો હોવા છતાં પણ તે વાસ્તવમાં સહેજ પણ કોઇ કર્મ કરતો નથી કેમકે સર્વથા નિર્લિપ્ત હોવાના કારણે કર્મનો સ્પર્શ જ થતો નથી. તેનાં તમામ કર્મો અકર્મ બની જાય છે. જ્યારે તે કંઇપણ કરતો નથી ત્યારે તે કર્મફળથી બંધાઇ જ કેવી રીતે શકે? પ્રકૃતિ નિરંતર ક્રિયાશીલ છે આથી જ્યાં સુધી પ્રકૃતિના ગુણો ક્રિયા અને પદાર્થ સાથે સબંધ છે ત્યાં સુધી કર્મ ન કરતો હોવા છતાં પણ મનુષ્યનો કર્મોની સાથે સબંધ થઇ જાય છે. પ્રકૃતિના ગુણો સાથે સબંધ ન રહેતાં મનુષ્ય કર્મ કરતો હોવા છતાં પણ કંઇ કરતો નથી. કર્મયોગથી સિદ્ધ મહાપુરૂષનો પ્રકૃતિજન્ય ગુણો સાથે કોઇ સબંધ રહેતો નથી એટલા માટે તે લોકહિતાર્થે તમામ કર્મો કરતો હોવા છતાં પણ વાસ્તવમાં કંઇ કરતો નથી.
જ્યાં સુધી મનુષ્યમાં કર્તૃત્વ છે ત્યાં સુધી તે કરે છે તો પણ કરે છે અને નથી કરતો તો પણ કરે છે પરંતુ કર્તાભાવ નષ્ટ થઇ જાય તો તે ક્યારેય કાંઇ કરતો નથી.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

