(મિલાપ રૂપારેલ) Amreli તા.10
અમરેલીના લીલીયા નજીક સનાળીયા માર્ગ ઉપર ગઈકાલે બપોરે સર્જાયેલા બે છકડા રીક્ષા વચ્ચે અકસ્માત થતાં એક વૃદ્ધનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 4 મુસાફરોને નાના-મોટા ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ બનાવમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં સનાળીયા માર્ગ ઉપરથી લીલીયાથી ખારા ગામ તરફ જઈ રહેલી એક છકડો રીક્ષા સાથે બીજી રીક્ષા સાઈડમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે છકડો રીક્ષા રોડની સાઇડમાં આવેલ ખાળીયામાં પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં પલ્તિવ ખાઈ ગયેલ છકડા રીક્ષામાં બેઠેલા 8 મુસાફરોમાંથી દેવાભાઈ બતાડા નામના એક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેને કારણે આ વિસ્તારમાં શોકનો માહોલ ઉભો થયો હતો. જ્યારે અન્ય 4 જેટલા મુસાફરોને નાના-મોટા ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્ત લોકોને પ્રથમ લીલીયા અને વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત-બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટનાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જ્યારે અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.

