(મિલન જોશી દ્વારા)
Junagadh તા.૨૦
Junagadhમાં બેફામ વ્યાજખોરીની વધુ એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. જેમાં એક મોબાઈલ રિપેરિંગના ધંધાર્થી એ ઉંચા વ્યાજે લીધેલા લાખો રૂપિયાના ડબલ જેટલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરો દ્વારા વધુ રકમ મેળવવા પઠાણી ઉઘરાણી કરીને ધમકીઓ આપતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Junagadhમાં કાળવા ચોકમાં ચામુંડા મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતા અને દોલતપરામાં રહેતા જીતુભાઈ મંગાભાઈ ગોહેલ (ઉ.વ. ૪૨) એ સને ૨૦૨૨ થી અત્યાર સુધીમાં ધંધાના માલ-સામાન માટે રૂ. ૭ લાખ ૧૦ ટકા વ્યાજે ઝાંઝરડા રોડ પર રહેતા આરોપી પંકજ મોતીલાલ ઓધીયા પાસેથી વ્યાજે લીધા હતા, અને અત્યાર સુધીમાં ૧૫ લાખ ચૂકવી દીધા હતા. ત્યાર પછી ઝાંઝરડા રોડ પર રહેતા આરોપી કામિનીબેન વસંતભાઈ મહેતા અને તેના પતિ વસંતભાઈ પાસેથી રૂ. ૧૪ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા અને તેમને રૂ. ૨૦ લાખ ચૂકવ્યા છતાયે આ આરોપીઓએ બળજબરીથી ચેક પડાવી લઇ અને જીતુભાઈનું મધુરમ ખાતે આવેલું મકાનના બળજબરીથી ભાડા કરાર કરાવી લીધાનું અને ધમકીઓ આપી રહ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
પોલીસે ફરિયાદી જીતુભાઈ મંગાભાઈ ગોહેલની ફરિયાદ લઈ, આરોપી મહિલા સહીત ત્રણ વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

