Rajula, તા. 15
જાફરાબાદ કોર્ટે લુટેરી દુલ્હનના કિસ્સામાં બે વ્યકિતને 3 વર્ષની સખત સજા અને દંડ ફટકાર્યો છે. કેસની વિગત એવી છે કે, ત્રણેક વર્ષે અગાઉ આ કામના ફરીયાદી ગોવિંદદાસ માધવદાસ ચૌહાણ રહે. રોહીસા વાળાને તેમના દિકરા દેવજીભાઈના લગ્ન કરાવવાના હોય, જે માટે ફરીયાદીને જાણ થયેલ કે આરોપી દલાલ ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી આવા લગ્ન કરાવી આપે છે.
જેથી આરોપીનો કોન્ટેકટ કરતા રૂા. 10,000/- ટીકીટ ભાડાના માંગેલ જે ફરીયાદી ગોવિંદદારો આરોપી દલાલ ઈશ્વરદાસને આંગડીયા મારફત મોકલેલ બાદમાં દલાલ ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી તેમની સાથે લુટેરી દુલ્હન આરોપી પ્રિયંકા હરબાજી ઢોબળે તથા તેના પતિ આરોપી ધમેન્દ્ર બાબુલાલ પ્રજાપતિને સાથે લઈને આવેલ. જેમાં આરોપી ધમેન્દ્ર બાબુલાલ પ્રજાપતીને લુટેરી દુલ્હનના ભાઈ અક્ષય હરબાજી ઢોબળે તરીકે ઓળખાણ કરાવેલ.
બાદમાં લગ્ન રૂા. 2, 60,000/- માં નકકી થયેલા અને આ રકમ આરોપી દલાલ ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારીને આપતા તેઓએ રોહીસા મુકામે દેવજીભાઈ તથા પ્રિયંકાના ફુલહાર કરાવીને, સાંજે તેમના લગ્ન અમરેલી મુકામે લગ્ન કરીને નોંધાવેલ.
બાદમાં બધા રોહીસા મુકામે ઘરે આવેલા. બાદમાં બીજા દિવસે આરોપી લુટેરી દુલ્હન પ્રિયંકાએ એવુ બહાનુ કરેલ કે તેની પાસે પહેરવાના કોઈ કપડા નથી તેમ કહી નાસી જતા તે અંગે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ.
તપાસ કરનાર અધીકારી દ્વારા આ કામના આરોપીઓ (1) ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી (2) ધમેન્દ્ર બાબુલાલ પ્રજાપતી તથા (3) પ્રિયંકા હરબાજી ઢોબળે વિરૂધ્ધ કાવત રચી દરેકે પોતાના સમાન આર્થીક ફાયદા માટે વિશ્વાસઘાત અને છેતરપીડી કરી ફરીયાદીની રૂા. 2,60,000/- ની રકમ ઓળવી જઈ ખોટુ નામ ધારણ કરી ખોટી ઓળખ આપી ઠગાઈ કર્યો અંગેના ગુન્હા અંગેનું ચાર્જશીટ કોર્ટ જાફરાબાદના મહે. જયુડી. મેજી. પી. એમ. કામદારે સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધીની દલીલો અને પુરાવાઓનું મુલ્યાંકન કરીને આરોપીઓ (1) ઈશ્વરદાસ પરસોતમદાસ દેવમુરારી (2) ધમેન્દ્ર બાબુલાલ પ્રજાપતી ને 3 વર્ષની સખત કેદ તથા રૂા. 10,000/- ઠંડનો હુકમ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી લુટેરી દુલ્હન પ્રિયંકા હરબાજી ઢોબળે ચાલુ કેસ દરમ્યાન ફરાર થતા તેમની વિરૂધ્ધ ધરપકડ વોરંટ કાઢી તેમના વિરૂધ્ધનો પુરાવો નોંધી જયારે આરોપી લુટેરી દુલ્હન પ્રિયંકા હરબાજી ઢોબળે મળી આવે ત્યારે આરોપી લુટેરી દુલ્હન પ્રિયંકા હરબાજી ઢોબળે નો ચુકાદ આપવામાં આવશે.

