(મિલાપ રૂપારેલ) Amreli, તા.15
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ફોર્મ ચકાસણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. બગસરા તાલુકા પંચાયતની સમઢિયાળા બેઠક પરથી ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં રાજકીય સમીકરણોમાં ફેરફાર આવ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત થયેલી ફોર્મ ચકાસણી પ્રક્રિયામાં બગસરા તાલુકા પંચાયતની સમઢિયાળા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મીરાબેન ગજેરાનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ ભાજપ માટે આ બેઠક પર મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 23 ઉમેદવારી ફોર્મમાંથી 22 ફોર્મ માન્ય જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે એક ફોર્મ રદ થયું છે. રદ થયેલું ફોર્મ ભાજપના ઉમેદવારનું હોવાનું સામે આવ્યું છે.
બગસરા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જેમાં સમઢિયાળા બેઠક પર હવે ભાજપ બહાર રહી જતાં સીધી ટક્કર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જોવા મળશે.આ પરિસ્થિતિને કારણે સમઢિયાળા બેઠક પર રાજકીય જંગ વધુ રસપ્રદ બન્યો છે અને આગામી ચૂંટણીમાં આ બેઠક પર તમામની નજર રહેશે.
અમરેલી જિલ્લાની ધારી નગરપાલિકાની જહેર્વ થયેલ પ્રથમ ચૂંટણીમાં ભાજપે શરૂઆતથી જ પોતાની જીતના શ્રીગણેશ કરી દીધો છે. ધારી નગરપાલીકા વોર્ડ નં. 3 માં ભાજપની પેનલ સામે માત્ર બે હરીફ ઉમેદવારો ઉભા રહ્યા હતા, ઉમેદવારીપત્ર ચકાસણી કરવામાં આવતાં બે હરીફ પૈકી એકનું ફોર્મ રદ થયું. અને બીજા ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા સહિત ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ વિજયી બન્યાં છે.
આ ધારી નગરપાલિકામાં આખી પેનલ બિનહરીફ થતાં આ જીતને પગલે ધારી ભાજપમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ભાજપના કાર્યકરોએ ધારીની મુખ્ય બજારમાં ફટાકડા ફોડી અને એકબીજાને મોં મીઠું કરાવીને જીતની ઉજવણી કરી હતી.
ધારી નગરપાલિકાના કુલ 7 વોર્ડમાંથી 1 વોર્ડ બિનહરીફ જાહેર થતાં હવે બાકીના 6 વોર્ડમાં ચૂંટણી યોજાશે. અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકોની ચૂંટણીમાં કુલ 127 ઉમેદવારીપત્ર ભરાયા હતાં. ભરાયેલ તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરતાં કુલ 19 ઉમેદવારીપત્ર ટેકનિકલ કારણોસર રદ થતાં તથા 1 ફોર્મ પરત ખેંચી લેવાતાં 107 ફોર્મ માન્ય રહયાં છે.
જ્યારે અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયતની 190 બેઠકોની ચૂંટણીમાં કુલ 639 ઉમેદવારીપત્ર ભરાયા છે. ભરાયેલ તમામ ઉમેદવારીપત્રોની આજે ચકાસણી હાથ ધરતાં કુલ 69 ઉમેદવારીપત્ર ટેકનિકલ કારણોસર રદ થતાં તેમજ 1 ફોર્મ પરત ખેંચાતાં 569 ફોર્મ માન્ય રહયાં છે.
જ્યારે અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાની 184 બેઠક માટેની ચૂંટણીમાં કુલ 548 ઉમેદવારી પત્ર ભરાયા છે. ભરાયેલ તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી હાથ ધરતાં કુલ 63 ઉમેદવારીપત્ર ટેકનિકલ કારણોસર રદ થતાં તેમજ 5 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં 483 ફોર્મ માન્ય રહ્યાં છે. સાંજે ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ થઈ શકશે.

