(મિલાપ રૂપારેલ) Amreli , તા.15
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી પ્રોહિબિશન રેડ દરમિયાન એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ, વાહનો, મોબાઇલ અને રોકડ મળી કુલ રૂપિયા 57.89 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે વધુ 6 આરોપીઓ ફરાર છે.
આ બનાવમાં અમરેલી જિલ્લામાં દારૂના ગેરકાયદે ધંધા પર લગામ લગાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા લાઠી તાલુકાના દામનગર ગામે ગુરુકુલ નજીક આવેલા એક ગોડાઉન પર દરોડો પાડતા પોલીસે 7,686 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 16.91 લાખ થાય છે.
આ સાથે જ રેડ દરમિયાન 4 વાહનો કિંમત રૂપિયા 40.40 લાખ, 7 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 55 હજાર અને રોકડ રકમ રૂપિયા 3,240 મળી કુલ મળી રૂપિયા 57,89,864નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ તપાસ મુજબ જપ્ત કરાયેલ દારૂ આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ગોવાના વિવિધ ડિસ્ટિલરીમાંથી બનાવવામાં આવ્યો હતો અને ગેરકાયદે રીતે દામનગર વિસ્તારમાં લાવવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં દામનગરના કૌશિક ઉર્ફે કાવો ભરતભાઈ ગોહિલ અને વિષ્ણુપરી હિમતપરી ગોસ્વામી, સિકંદર ઉર્ફે ભાભા કાલુભાઈ પઠાણ તથા જયેશ જગજીવન જાદવ( રે.બોટાદ) સહિત અમદાવાદ અને મહારાષ્ટ્રના આરોપીઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ બંને દામનગરના સ્થાનિક આરોપીઓ દારૂના રિસીવર તરીકે કામ કરતા હતા, જ્યારે ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પણ આ ગેરકાયદે વહિવટમાં સંડોવાયેલા હતા.
પોલીસે વધુમાં જણાવ્યું કે આ કેસમાં કુલ 6 આરોપી ફરાર છે, જેમાં અમદાવાદનો વિરજ પ્રવિંચંદ્ર રાણા મુખ્ય સપ્લાયર તરીકે સામે આવ્યો છે. ઉપરાંત ગોવાના બે અજાણ્યા શખ્સો અને જપ્ત કરાયેલા ટ્રક નં. GJ-01-CV-1773 નો માલિક, કાર નં. GJ-01-RE-8312નો માલિક, બીજી કાર નં. GJ-01-RB-8512નો માલિક તથા બાઈક નં. J-14-AS-8335નો માલિકની પણ પોલીસ શોધખોળ કરી રહી છે.
આ સમગ્ર કાર્યવાહી એસ.એમ.સી.ના પી.આઈ. આર.કે. કરમટા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. દામનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

