(મિલાપ રૂપારેલ) Amreli , તા.17
અમરેલી કોન્ટ્રાકટર એસોસીએશન ઘ્વારા ખાડી દેશમાં ચાલતા યુઘ્ધનાં કારણે બાંધકામ મટીરીયલ્સનાં ભાવોમાં વધારો થતાં સરકારી કામનાં ભાવમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવેલ છે કે, વર્તમાન પરિસ્થિતિએ હાલમાં દેશમાં અને વૈશ્ર્વિક સ્તરે ખાડી યુઘ્ધના કારણે ઉભી થયેલી વૈશ્ચિક અસ્થિરતા જેવી પરિસ્થિતિના પ્રત્યક્ષ પ્રભાવથી ગુજરાત રાજયમાં ગતીમાં રહેલ કોન્ટ્રાકટના કામો ઉપર ગંભીર સંકટ આવી પડેલ છે. બાંધકામ માટે આવશ્યક મુખ્ય સામગ્રી જેમ કે, બીટુમીન, ફરનેશ ઓઈલ, એફઓ, એલડીઓ વિગેરે તમામ પેટ્રોલીયમ પ્રોડકસ એગ્રીગેટસ, સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ, પેટ્રોલ, ફલોરિંગ ટાઈલ્સ, ફીનીશીંગ મટીરીયલ્સ (ગ્લાસ, એલ્યુમીનીયમ સહિત), ઈલેકટ્રીકલ વાયર, કેબલ, સ્વીચ, સોકેટ, લાઈટ ફીટીંગ્સ, એમસીબી તેમજ અન્ય કાચા માલ સામાનના ભાવોમાં અને તેના પરિવહન, ટ્રાન્સપોર્ટેશનમાં તોતીંગભાવ વધારો થયો છે અને તે દિન પ્રતિદિન વધતો જઈ રહેલ છે.
આ ભાવ વધારો એટલો ઝડપી છે કે કોન્ટ્રાકટરોએ અગાઉ ટેન્ડર ભરતી વખતે જે બજારના પ્રવર્તમાન ભાવો પ્રમાણે ગણતરી કરીને ટેન્ડરો ભરેલા હતા તેઓની તમામ ગણતરી આ ભાવ વધારાને લીધે ખોટી પડતી જાય છે.વધુમાં જણાવેલ છે.
કે, ઉપરોકત પરિસ્થિતિ માત્ર કોન્ટ્રાકટર્સ પુરતી મર્યાદિત નથી, પરંતુ લાખો મજૂરોની રોજગારીને પણ અસર કરતા થશે તથા રાજયના તીર્વગતિથી ચાલતા ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસને રૂંધાવાની પુરેપુરી શકયતા રહેલી છે. પરિવહન, ટ્રાન્સપોર્ટેશનમાં તોતીંગ ભાવો માટે વાસ્તવિક બજાર ભાવ દરે અથવા ચકાસાયેલ ઈન્વોઈસ/બીલોના આધારે સીધા તફાવતની ચુકવણી કરવા.હાલમાં ચાલતા કોન્ટ્રાકટ કામોમાં કોઈપણ જાતની પેનલ્ટી વગર સમય-મર્યાદામાં વધારો આપવા જરૂરી જણાય ત્યાં નીતિગત રાહત આપવી તેમ અંતમાં જણાવેલ છે.

