Mumbai,તા.21
આઇપીએલ-2026 અત્યાર સુધી ત્રણ વખતની ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ માટે દુઃસ્વપન જેવું રહ્યું છે. કોલકાતા અત્યાર સુધી કુલ છ મેચ રમી ચૂક્યું છે અને પાંચ વખત હાર્યું છે, જ્યારે એક મેચ વરસાદનાં કારણે ધોવાઈ ગઈ છે.
આ પ્રદર્શનની અસર કેપ્ટન અજિંક્ય રહાણે પર પણ પડી છે. તે આઇપીએલના ઈતિહાસમાં સૌથી ખરાબ જીતની ટકાવારી ધરાવતાં કેપ્ટનોની યાદીમાં ટોચનાં ક્રમે પહોંચી ગયા છે
આઈપીએલમાં કેપ્ટનોનું નિરાશાજનક પ્રદર્શન
આ કેપ્ટનોની યાદી છે જેમણે ઓછામાં ઓછી 25 મેચોમાં કેપ્ટનશીપ કરી હોય અને તેમની જીતની ટકાવારી સૌથી ઓછી રહી હોય. આ આંકડાઓ મુજબ, અજિંક્ય રહાણે સૌથી ઓછી જીતની ટકાવારી ધરાવતાં કેપ્ટન છે.
તેમણે કુલ 44 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી માત્ર 14 મેચમાં જીત મેળવી છે, જ્યારે 28 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને 2 મેચ અનિર્ણિત રહી છે. તેમની જીતની ટકાવારી માત્ર 31.8 ટકા છે.
ત્યારબાદ કુમાર સંગાકારા આવે છે, જેમણે 47 મેચોમાં નેતૃત્વ કર્યું, જેમાંથી 15 જીતી અને 30 મેચોમાં હાર મળી અને 2 અનિર્ણિત રહી, પરિણામે તેમની જીતની ટકાવારી 31.9 ટકા રહી છે. મહેલા જયવર્ધને આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેમણે 30 મેચોમાંથી 10 જીત અને 19 હાર, 1 અનિર્ણિત સાથે 33.3 ટકા જીતની ટકાવારી નોંધાવી છે.
શિખર ધવન વિશે વાત કરીએ તો, તેમણે 27 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 10 જીત અને 17 હાર સાથે તેમની સફળતાનો દર 37.0 ટકા રહ્યો છે. અંતે, સૌરવ ગાંગુલીએ 42 મેચોમાં નેતૃત્વ સંભાળ્યું હતું, જેમાં 17 જીત અને 25 હાર સાથે તેમની જીતની ટકાવારી 40.4 ટકા નોંધાઈ છે.
ધોની સૌથી વધુ મેચ હારનારા કેપ્ટન
એમએસ ધોનીને આઈપીએલ ઈતિહાસનાં સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે કારણ કે તેમની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રેકોર્ડ 5 વાર ટ્રોફી જીતી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ લીગમાં ધોનીના નામે કેપ્ટન તરીકે સૌથી વધુ 97 મેચ હારવાનો રેકોર્ડ પણ નોંધાયેલ છે.
તેમણે અત્યાર સુધી કુલ 235 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 133માં જીત અને 02 મેચ અનિર્ણિત રહી છે.તેવી જ રીતે, મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત ચેમ્પિયન બનાવનાર રોહિત શર્મા આ યાદીમાં બીજા સ્થાને છે.
રોહિત શર્માએ કુલ 158 મેચોમાં નેતૃત્વ કર્યું છે, જેમાંથી 90 મેચોમાં જીત અને 68 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્રીજા સ્થાને વિરાટ કોહલી છે, જેમણે 143 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાંથી 67 માં જીત, 72 માં હાર અને 04 મેચો અનિર્ણિત રહી છે.
આ આંકડા દર્શાવે છે કે, જે કેપ્ટનોએ સૌથી લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કર્યું છે, તેમનાં નામે હારની સંખ્યા પણ સ્વાભાવિક રીતે વધારે છે.

