Jamnagar,તા.22
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની કિંમતી જમીનના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના 66 પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા 6 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે અગાઉ ચાર આરોપીઓને ઝડપી લીધા બાદ આજે પાંચમા આરોપીની ધરપકડ કરી છે.
જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે 8,586 ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત બે કરોડ 80 લાખ થવા જાય છે. જે જમીન પચાવી પાડનારા ૬ આરોપીઓ જામનગરમાં રહેતા મનસુખ, આમદભાઈ, નુરમામદ, રાજેશ, યજ્ઞેશ અને જગદિશ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જે પ્રકરણની તપાસ ચલાવી રહેલા જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે.એન.ઝાલા અને તેઓની ટીમે અગાઉ જગદીશ, રાજેશ, યજ્ઞેશ અને આમદ સહિત ચાર આરોપીઓની અટકાયત કરી લઇ જેલ હવાલે કર્યા હતા. જે પ્રકરણમાં બાકી રહેલા નુરમહંમદ નામના પાંચમા આરોપીની ધરપકડ કરી લીધી હતી. જેને અદાલતમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં છઠ્ઠા આરોપી મનસુખનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

