એક પાડોશી મહિલા, જે પોતાને માતાજીના ભુવા ગણાવતી હતી, તેની એક ખતરનાક માંગણીએ ચાર વર્ષના કાર્તિકનો ભોગ લીધો
Surendranagar, તા.૨૨
વિજ્ઞાન મંગળ પર પહોંચી ગયું છે, પણ માનવી આજેય અંધશ્રદ્ધાના અંધકારમાં ભટકી રહ્યો છે! સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાંથી એક એવી ઘટના સામે આવી છે, જે દીકરા માટે બાધા રખાઈ. જે દીકરાના જન્મ માટે આખું ઘર હરખાયું. એ જ દીકરાને કાળા જાદુના નામે મોતને ઘાટ ઉતારી દેવાયો? એક પાડોશી મહિલા, જે પોતાને માતાજીના ભુવા ગણાવતી હતી, તેની એક ખતરનાક માંગણીએ ચાર વર્ષના કાર્તિકનો ભોગ લીધો હોવાનો આરોપ લાગ્યો છે.
ઘટનાની શરૂઆત થાય છે વર્ષો પહેલા, જ્યારે ફારુકભાઈ એછવાડિયાના ઘરે ચાર દીકરીઓ હતી. પુત્રની ચાહમાં પરિવારે પાડોશમાં રહેતી રેહાનાબેન માયકનો સંપર્ક કર્યો, જેઓ પોતાને માતાજીના ભુવા ગણાવતા હતા. રેહાનાબેને બાધા આપી અને સંજોગવશાત ૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ કાર્તિકનો જન્મ થયો. પરંતુ ખુશીઓ લાંબો સમય ટકી નહીં. માતાજી ના નામે રેહાનાબેને પશુ બલિની માંગણી કરી. જ્યારે માસૂમની માતાએ આ ક્રૂરતાનો વિરોધ કર્યો, ત્યારે તાંત્રિક મહિલાનો અસલી ચહેરો સામે આવ્યો. આ વિવાદ એવો વકર્યો કે માસૂમ કાર્તિક પર જોખમ તોળાવા લાગ્યું.
ગત ૪ એપ્રિલ. ૪ વર્ષનો કાર્તિક ઘર પાસે રમતા-રમતા અચાનક ગાયબ થઈ ગયો. આખો પરિવાર શોધખોળ કરતો રહ્યો, પણ કાર્તિક ક્યાંય ન મળ્યો. અંતે શોધ પૂરી થઈ રેહાનાબેનના ઘરે આવેલા પાણીના ટાંકા પાસે. ટાંકામાંથી માસૂમની લાશ મળી આવતા જ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો.
શરૂઆતમાં પરિવારે આઘાતમાં દફનવિધિ કરી દીધી, પરંતુ પાડોશી મહિલાની શંકાસ્પદ હરકતોએ પિતાના મનમાં સવાલ ઉભા કર્યા. ૧૨ દિવસ પછી હિંમત ભેગી કરી પોલીસને લેખિત ફરિયાદ અપાઈ. આ મામલાની ગંભીરતા જોઈ પોલીસે મેજિસ્ટ્રેટની હાજરીમાં કાર્તિકની કબર ખોદાવી.
મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. પોલીસે આરોપી તાંત્રિક મહિલા રેહાનાબેનની ધરપકડ કરી લીધી છે. તેના પર હત્યા અને કાળા જાદુ જેવી ગંભીર કલમો લગાવાઈ છે. વિજ્ઞાનના યુગમાં પણ અંધશ્રદ્ધાનો આ રાક્ષસ માસૂમોને ભરખી રહ્યો છે. શું પશુ બલિના ઈનકારનો બદલો કાર્તિકના મોતે લેવાયો? ફોરેન્સિક રિપોર્ટમાં આ હત્યાનું રહસ્ય ખુલશે, પણ સવાલ એ છે કે આપણે ક્યાં સુધી આવા ભુવા-ભારાડીઓના ચુંગાલમાં ફસાતા રહીશું?
ધ્રાંગધ્રાની આ ઘટના માત્ર એક ગુનો નથી…આ એક ચેતવણી છે! એ દરેક માતા-પિતા માટે, જેઓ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની પાતળી રેખા ઓળખવામાં થાપ ખાઈ જાય છે. જ્યારે ભક્તિના નામે કોઈ બલિ માંગે… ત્યારે સમજી લેજો કે સામે ભગવાન નહીં, પણ હેવાન બેઠો છે.

