Veraval તા.23
વેરાવળ તાલુકાના ડારી ગામ તરફ જતા રસ્તા પર આવેલા એક ગેરેજમાં બપોરના સમયે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજમાં રિપેરિંગ માટે મુકેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા.
આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર ઉંમર ભાઈ જીકાણી ના ગેરેજમાં રિપેરિંગ માટે આવેલા વાહનો માં અચાનક આગ લાગતા જ્વાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા ઉઠતા ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગેની જાણ થતાં જ વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સ્ટાફે વોટર બ્રાઉઝર દ્વારા પાણીનો મારો ચલાવી ટૂંકા ગાળામાં આગને કાબૂમાં લીધી હતી.
ફાયર ટીમના ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી, જેના પરિણામે આસપાસની મિલકતોને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું. આ આગમાં રિપેરિંગ માટે આવેલી એક આઈ-20 મોટર કાર તેમજ ફિશ કંપનીની મચ્છીની બોગી સંપૂર્ણપણે આગની ઝપેટમાં આવી જતા ભસ્મીભૂત થયેલ હોવાનું અને સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, પરંતુ આર્થિક નુકસાન નોંધપાત્ર હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામી ના કારણે આગ લાગી હોઈ શકે છે, જે અંગે પોલીસ તથા સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

