Tehran, તા.23
પશ્ચિમ એશિયામાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓ હવે વૈશ્વિક ઉર્જા સંકટ તરફ દોરી રહી છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ એનર્જી કોરિડોર ગણાતા હોર્મુઝ સ્ટ્રેટને લઈને અમેરિકાના પેન્ટાગોને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
ઈરાને આ દરિયાઈ માર્ગમાં મોટી સંખ્યામાં ખતરનાક સી-માઈન્સ બિછાવી દીધી છે, જેને સાફ કરવામાં યુદ્ધ સમાપ્ત થયા પછી પણ ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગી શકે છે.
ઈરાન જાણી જોઈને આ સાંકડા સમુદ્રી માર્ગને બંધ રાખવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે, જેથી તે પોતાની શરતો પર અમેરિકા અને અન્ય દેશો સાથે સોદાબાજી કરી શકે.
હાઉસ આર્મ્ડ સર્વિસીસ કમિટીના સભ્યો સાથે શેર કરવામાં આવેલી રિપોર્ટ મુજબ ઈરાને હોર્મુઝમાં અંદાજે 20 કે તેથી વધુ અત્યાધુનિક સી-માઈન્સ બિછાવી છે. આમાંથી કેટલીક માઈન્સ GPS ટેકનોલોજીથી સજ્જ છે, જેને રિમોટ કંટ્રોલ દ્વારા ગમે ત્યારે છોડી શકાય છે.
પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલના જણાવ્યા અનુસાર, આ માર્ગને 6 મહિના સુધી બંધ રાખવો અસંભવ છે, પરંતુ તેને સુરક્ષિત બનાવવો એ એક મોટો પડકાર છે.

