New Delhi,તા.23
પૂર્વ ક્રિકેટર સાયમન દૂલએ IPL 2026માં લખનઉ સુપર જાયન્ટના નિરાશાજનક પ્રદર્શન બાદ ટીમના સ્ટાર ખેલાડીઓ રિષભ પંત અને નિકોલસ પુરન પર તીવ્ર ટીકા કરી છે.
ડૂલના જણાવ્યા મુજબ, ટીમે આ બંને ખેલાડીઓ પર લગભગ રૂ.50 કરોડ જેટલો મોટો ખર્ચ કર્યો હોવા છતાં, તેઓ અત્યાર સુધી ટીમને અપેક્ષિત સફળતા અપાવવામાં નિષ્ફળ રહ્યા છે. પંતને 27 કરોડ અને પુરણને 21 કરોડમાં ખરીધ્યો હતો.
ડૂલના કહેવા મુજબ, પંત અને પૂરન જેવા મોટા ખેલાડીઓ પાસેથી સતત મેચ જીતાડનારી ઇનિંગ્સની અપેક્ષા હોય છે, પરંતુ અત્યાર સુધી તેમનો દેખાવ અત્યંત અસંગત રહ્યો છે. ખાસ કરીને પૂરનનું પ્રદર્શન નિરાશાજનક ગણાવતા તેમણે કહ્યું કે તે ટીમ માટે અસરકારક સાબિત થયા નથી અને મહત્વપૂર્ણ પ્રસંગોએ યોગદાન આપી શક્યા નથી.
તેમણે વધુમાં લખનૌ ટીમના બેટિંગ સંયોજન પર પણ સવાલ ઉઠાવ્યા છે. ટોચના ક્રમમાં વધુ વિદેશી બેટ્સમેન રાખવાનો નિર્ણય ખોટો ગણાવતા ડૂલે જણાવ્યું કે એડન માર્ક્રમ સિવાય અન્ય ખેલાડીઓ ટીમ માટે ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહ્યા છે. આથી ટીમનું સંતુલન બગડ્યું છે અને તેનો સીધો અસર પરિણામો પર જોવા મળી રહ્યો છે.
હાલમાં IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ પોઈન્ટ્સ ટેબલમાં પાછળ ચાલી રહી છે અને ટીમનું બેટિંગ સતત નિષ્ફળ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓ બંને પર દબાણ વધ્યું છે.
નિષ્ણાતોનું માનવું છે કે, જો ટોચના ખેલાડીઓ વહેલી તકે ફોર્મમાં પરત નહીં આવે, તો પ્લેઓફ સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે. ડૂલની આ ટીકા બાદ ફરી એકવાર ચર્ચા તેજ થઈ છે કે માત્ર મોટા ખર્ચથી સફળતા મળતી નથી, પરંતુ યોગ્ય ટીમ સંયોજન અને ખેલાડીઓની સતત કામગીરી જ જીત માટે મહત્વપૂર્ણ બની રહે છે.

