Washington તા.23
અમેરિકાની સરકાર ઈલીગલ ઈમિગ્રન્ટ્સનો ડેટા અને ખાસ તો તેમના એડ્રેસ સહિતની માહિતી મેળવવા માટે અવનવી ટ્રીક અપનાવી રહી છે. આ જ કવાયતના ભાગરૂપે તમામ બેન્ક અકાઉન્ટ હોલ્ડર્સ પાસેથી તેમની નેશનાલિટીનું પ્રુફ માગવામાં આવશે તેવી પણ તૈયારી ચાલી રહી છે. થોડા દિવસ પહેલા જ આ અંગેના સમાચાર આવ્યા હતા અને હવે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરીએ પણ આ અટકળોને વધુ જોર આપતા એક મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે આ અંગેનો એક એક્ઝિક્યુટિવ ઓર્ડર હાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સોમવારે પબ્લિશ થયેલા ઈન્ટરવ્યુમાં બેસન્ટે કહ્યું હતું કે બેન્કિંગ સિસ્ટમમાં કોણ-કોણ સામેલ છે તેની વિગતો સરકાર પાસે હોય તે જરૂરી છે.
યુકેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હતું કે ત્યાં તો દરેક અપાર્ટમેન્ટમાં કોણ રહે છે તે પણ સરકાર તપાસી રહી છે તેવામાં અમેરિકાની બેન્કોમાં કોઈ વિદેશી ચરમપંથી સંસ્થાના અકાઉન્ટ્સ નથી તે સુનિશ્ચિત કરવું જરૂરી છે.
સ્કોટ બેસન્ટના આ સ્ટેટમેન્ટ અંગે ટાઈમ મેગેઝીને વ્હાઈટ હાઉસ પાસેથી પ્રતિક્રિયા માગી ત્યારે એવો જવાબ મળ્યો હતો કે સરકાર બેન્કિંગ સિસ્ટમને ક્રેડિટ રિસ્કથી બચાવવા હંમેશાથી સક્રિય છે અને દરેક અમેરિક્નસ માટે બેન્કિંગ સર્વિસ ઉપલબ્ધ હોય અને અફોર્ડેબલ હોય તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે.
જોકે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન જે કહેવાતો એક્ઝિક્યુટિવ ઓર્ડર લાગુ કરવા જઈ રહ્યું છે તેમાં બેન્કોને પોતાના ખાતેદારોની કયા પ્રકારની સિટીઝનશિપ ઈન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે કહેવાશે તેની કોઈ ચોક્કસ વિગતો હજુ સુધી શેર કરવામાં નથી આવી.
એક્સપર્ટ્સનું માનવું છે કે જો સરકારે આવું કોઈ પગલું ભર્યું તો તેનાથી બેન્કિંગ સિસ્ટમમાં અનેક સમસ્યાઓ ઉભી થશે અને ખાસ તો નોન-સિટીઝન્સની સાથે-સાથે જે લાખો અમેરિક્નસ પાસે સિટીઝનશિપ પુરવાર કરી શકાય તેવા ડોક્યુમેન્ટ્સ હાથવગાં નથી તે લોકો મુશ્કેલીમાં આવી જશે.
એક્સપર્ટ્સનું માનવું છે કે, જો આ એક્ઝિક્યુટિવ ઓર્ડર લાગુ થઈ ગયો તો પણ તેને કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી શકે છે.

