Washington,તા.23
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દૂતે આંતરરાષ્ટ્રીય ફૂટબોલ જગતમાં એક નવો વિવાદ છેડ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ દૂતે ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ‘ફિફા’ (FIFA) ને અપીલ કરી છે કે આગામી વર્લ્ડ કપમાં ઈરાનની ટીમને હટાવીને તેના સ્થાને ઇટાલીની ટીમને પ્રવેશ આપવામાં આવે. આ પ્રસ્તાવ પાછળ ઈરાનની રાજકીય પરિસ્થિતિ અને ત્યાં પ્રવર્તતા માનવાધિકારના મુદ્દાઓને કારણભૂત ગણાવવામાં આવ્યા છે.
શા માટે ઈરાનનો વિરોધ?
રિપોર્ટ અનુસાર, અમેરિકી દૂતે તર્ક આપ્યો છે કે ઈરાન જે રીતે આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને પોતાના દેશમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ પર કડક કાર્યવાહી કરી રહ્યું છે, તેને જોતા તેને વૈશ્વિક રમત મંચ પર સ્થાન મળવું જોઈએ નહીં. દૂતે વધુમાં જણાવ્યું હતું કે રમતગમત એ ભાઈચારાનું પ્રતીક છે, અને ઈરાન જેવી શાસન વ્યવસ્થા આ ગરિમાને લાયક નથી.
ઇટાલીને તક આપવાની હિમાયત
રસપ્રદ વાત એ છે કે, આ દરખાસ્તમાં ઇટાલીની ટીમને સામેલ કરવાની ખાસ ભલામણ કરવામાં આવી છે. ઇટાલીની ટીમ વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં નિષ્ફળ રહી હતી, પરંતુ ફૂટબોલ ઇતિહાસમાં તેમનું મોટું નામ હોવાથી અને ‘ફિફા’ રેન્કિંગમાં ઉપર હોવાથી તેમને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવાની માંગ કરવામાં આવી છે.
જોકે, ફિફાના નિયમો મુજબ કોઈપણ ક્વોલિફાઈ થયેલી ટીમને રાજકીય કારણોસર હટાવવી અત્યંત જટિલ પ્રક્રિયા છે. આ વર્ષે ફૂટબોલ વર્લ્ડ કપ કેનેડા, મેક્સિકો અને અમેરિકામાં રમાશે. અને આ ઇતિહાસમાં પેહલી વખત છે જ્યારે ત્રણ દેશોમાં મેચ રમાશે. 11 જૂનથી 19 જુલાઈ સુધી વર્લ્ડ કપ રમાશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા
આ પ્રસ્તાવને કારણે રમતગમત અને રાજકારણ વચ્ચેના સંબંધો પર ફરી એકવાર ચર્ચા જાગી છે. ઈરાને આ બાબતને અમેરિકાની દાદાગીરી ગણાવીને ફિફાને આ મામલે હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું છે.
બીજી તરફ, ફૂટબોલ પ્રેમીઓમાં પણ આ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક તેને યોગ્ય માને છે, જ્યારે કેટલાક માને છે કે રમતગમતને રાજકારણથી દૂર રાખવી જોઈએ.

