Andhra Pradesh,તા.27
ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠા પર સંકટનાં વાદળો છવાયાં છે, જેની સીધી અસર હવે ભારતમાં જોવા મળી રહી છે. દક્ષિણ ભારતનાં રાજ્ય આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાયા બાદ લોકોમાં ફાળ પડી હતી, જેને કારણે રવિવારે રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં 400 થી વધુ પેટ્રોલ પંપો બંધ કરવાની ફરજ પડી હતી. વિજયવાડા, ગુંટૂર અને તિરુમાલા જેવા મહત્વના વિસ્તારોમાં સ્થિતિ એટલી ગંભીર બની છે કે વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
રાજ્યમાં કુલ 4,510 પેટ્રોલ પંપો કાર્યરત છે, જેમાંથી સત્તાવાર રીતે 421 પંપો પર સ્ટોક સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે. વધતી ભીડને કાબૂમાં લેવા માટે પંપ સંચાલકોએ રેશનિંગ પદ્ધતિ અપનાવી છે, જેમાં દ્વિચક્રી વાહનોને માત્ર 2 લિટર અને કારને 10 લિટર સુધીનું જ ઈંધણ આપવામાં આવી રહ્યું છે. આંધ્રપ્રદેશ પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ગભરાટમાં આવીને લોકો જરૂર કરતા વધુ ઈંધણ ભરાવી રહ્યા છે, જેના કારણે દૈનિક વેચાણ 7000 લિટરથી વધીને સીધું 14,000 લિટર પર પહોંચી ગયું છે.
આ કટોકટી વચ્ચે વિજયવાડા, નેલ્લોર અને રાજમુન્દ્રી જેવા શહેરોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અનેક સ્થળોએ સ્ટોક પૂરો થવાના બોર્ડ લાગતા વાહનચાલકો અને પંપ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના બનાવો પણ સામે આવ્યા છે. ખાસ કરીને યાત્રાધામ તિરુમાલામાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ જતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઘણા પંપો સ્ટોક ખૂટવાને કારણે નહીં પણ ’પેનિક બાઈંગ’ રોકવા માટે તકેદારીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા હતા.

