New Chandigarh,તા,29
IPL 2026માં પંજાબ કિંગ્સને સીઝનની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો છે. મહારાજા યાદવિન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 223 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતા 19.2 ઓવરમાં 4 વિકેટે 228 રન બનાવીને 6 વિકેટથી શાનદાર જીત નોંધાવી.
લક્ષ્યનો પીછો કરતા રાજસ્થાનને ઓપનર યશસ્વી જયસ્વાલ (51 રન, 27 બોલ) અને વૈભવ સૂર્યવંશી (43 રન, 16 બોલ)એ ધમાકેદાર શરૂઆત અપાવી. બંનેએ પાવરપ્લેમાં જ 84 રન ઉમેર્યા.
સૂર્યવંશીએ 5 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે ઝડપી ઇનિંગ રમી, જ્યારે જયસ્વાલે આક્રમક બેટિંગ સાથે અડધી સદી નોંધાવી. મધ્યક્રમમાં થોડો ઝટકો લાગ્યા બાદ ડોનોવન ફેરેરા (52 અણનમ, 26 બોલ) અને શુભમ દુબે (31 અણનમ, 12 બોલ)એ પાંચમી વિકેટ માટે માત્ર 32 બોલમાં 77 રનની અતૂટ ભાગીદારી કરીને ટીમને જીત અપાવી. અંતિમ ઓવરમાં જરૂરી રન સરળતાથી મેળવતા ફેરેરાએ છગ્ગા સાથે મેચ પૂર્ણ કરી.
આ પહેલા બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 4 વિકેટે 222 રન બનાવ્યા હતા. ઓપનર પ્રભસિમરન સિંહે 59 રનની અડધી સદી ફટકારી હતી અને કૂપર કોનોલી (30) તથા કેપ્ટન શ્રેયસ ઐયર (30) સાથે મહત્વપૂર્ણ ભાગીદારીઓ નોંધાવી હતી. અંતિમ ઓવરોમાં માર્કસ સ્ટોઇનિસે માત્ર 22 બોલમાં અણનમ 62 રનની તોફાની ઇનિંગ રમી અને છેલ્લી ત્રણ ઓવરમાં ટીમે 55 રન ઉમેરતા સ્કોર 200 પાર પહોંચાડ્યો.
રાજસ્થાન તરફથી બોલિંગમાં યશરાજ પુંજાએ 41 રનમાં 2 વિકેટ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું, જ્યારે જોફ્રા આર્ચર અને નાંદ્રે બર્ગરે એક-એક વિકેટ મેળવી. યુઝવેન્દ્ર ચહલે મધ્ય ઓવરોમાં 3 વિકેટ લઈને પંજાબને ટક્કર આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે ફેરેરા અને દુબેની જોડી સામે ટીમ સફળ રહી નહોતી.
આ જીત સાથે રાજસ્થાન રોયલ્સે પોઇન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત બનાવી છે, જ્યારે પંજાબ કિંગ્સને સીઝનની પ્રથમ હાર સાથે ઝટકો લાગ્યો છે.

