Maharashtra ,તા.15
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાં એક મોટી અને દુર્ઘટના સર્જાઈ છે. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ ગાડી અચાનક રસ્તા કિનારે આવેલા કૂવામાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 14 લોકોના ઘટનાસ્થળે જ ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, રંજની ગામના આ શ્રદ્ધાળુઓ મ્હાસવાડ ખાતે સિદ્ધનાથના દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને જ્યારે તેઓ પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા, ત્યારે માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ પાસે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિક લોકોના મોટા ટોળા ઉમટી પડ્યા હતા.અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં આ દુર્ઘટના ઘટી હતી. રસ્તાની બિલકુલ કિનારે આવેલો આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ પણ નહોતી. જેના કારણે કાબૂ બહાર ગયેલી પિકઅપ ગાડી સીધી કૂવાના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આ અકસ્માતમાં 2 લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. અત્યાર સુધીમાં કૂવામાંથી 8 લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેમાં 4 મહિલાઓ અને 4 બાળકોનો સમાવેશ થાય છે. માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે.અહેવાલો અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતાં વધુ એટલે કે ઓવરલોડિંગ કરીને મુસાફરો બેસાડવામાં આવ્યા હતા, જેના લીધે શરૂઆતમાં બચાવ કામગીરીમાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ પ્રશાસન દ્વારા હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર અને મૃતકોની ઓળખ કરવાની કામગીરી પણ સમાંતર ચાલી રહી છે.

