New Delhi તા.2
IPL 2026માં 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પોતાની જોરદાર બેટિંગના કારણે સતત ચર્ચામાં છે. શુક્રવાર, 1 મે ના રોજ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી મેચમાં ફેન્સ વૈભવ સૂર્યવંશી અને મિચેલ સ્ટાર્ક વચ્ચેની ટક્કર જોવા આતુર હતા.
જોકે, ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર કાઇલ જેમિસને વૈભવને આઉટ કરીને આ આકર્ષણ પોતાની તરફ ખેંચી લીધું હતું. વૈભવે જેમિસનની ચોથી ઓવરના પહેલા જ બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ પછીના જ બોલ પર જેમિસને એક ધારદાર યોર્કર નાખીને તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.
વૈભવ સૂર્યવંશીને આઉટ કર્યા બાદ કાઇલ જેમિસને ખૂબ જ આક્રમક રીતે ઉજવણી કરી હતી. 6 ફૂટ 8 ઇંચ ઊંચા જેમિસનનું એક 15 વર્ષના બાળકની વિકેટ લીધા બાદ આવું વર્તન ફેન્સને પસંદ આવ્યું નથી.
સોશિયલ મીડિયા પર ચાહકો જેમિસનની સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર સવાલો ઉઠાવી રહ્યા છે. કેટલાક ફેન્સે વ્યંગમાં લખ્યું કે જેમિસન એવી રીતે ઉજવણી કરી રહ્યો છે જાણે તેણે ક્રિસ ગેલને આઉટ કર્યો હોય અથવા ઓલિમ્પિક જીતી લીધું હોય. ફેન્સનું કહેવું છે કે એક ઈન્ટરનેશનલ બોલરે આટલા નાના બાળક સામે આટલી આક્રમકતા બતાવવી મૂર્ખામી છે.
એક ફેને X (ટ્વિટર) પર લખ્યું કે, ’કાઇલ જેમિસન વિરુદ્ધ ચાઇલ્ડ અબ્યુઝની ફરિયાદ નોંધાવવી જોઈએ… બિચારા બાળકને ડરાવી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ ઇન્ટરનેશનલ બોલર આ રીતે વિકેટની ઉજવણી કરતો હોય, ત્યારે જ તમે વૈભવ સૂર્યવંશીની વિકેટની કિંમત અને તેનું સ્ટેટસ સમજી શકો છો.’

