New Delhi તા.4
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીની મત ગણતરીના પ્રારંભિક ટ્રેન્ડમાં પશ્ચિમ બંગાળ તથા તામીલનાડુમાં મોટો ઉલટફેર સર્જાય રહ્યાના સંકેત છે. પશ્ચિમ બંગાળમાં ત્રણ ટર્મથી એક ચક્રી શાસન ધરાવતા મમતા બેનર્જીનો કિલ્લો ધ્વસ્ત થઇ રહ્યો હોય તેમ ભાજપની સ્પષ્ટ બહુમતી તરફ વિજયકૂચ રહી છે.
ટ્રેન્ડમાં કોઇ બદલાવ ન થાય તો ભાજપનું શાસન નિશ્ચિત બની જશે. આ જ રીતે તામીલનાડુમાં પણ રાજકીય ભૂકંપ હોય તેમ અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે આગળ છે. એમડીકે તથા અન્નાદ્રમુક એમ બંને પક્ષોને પાછળ રાખી દીધા છે.
જો કે, રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાનું નિર્માણ થઇ શકે છે. આસામમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો હોય તેમ સપાટો બોલાવીને સત્તાની હેટ્રીક સર્જવાના માર્ગે છે. પુડ્ડુચેરીમાં પણ ભાજપ સત્તા જાળવી રાખે તેવા સંકેત છે. જ્યારે કેરળમાં કોંગ્રેસ પ્રેરિત યુડીએફ બહુમતી મેળવી લેશે તેવા સંકેત છે.
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની મત ગણતરી આજે સવારથી લોખંડી સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શરૂ થઇ હતી. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને તામીલનાડુમાં જડબેસલાક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં જબરદસ્ત ચૂંટણી જંગ ખેલાયો હતો અને જંગ જીતવા ભાજપ તથા ટીએમસીએ શામ-દામ-દંડ-ભેદ સહિત તમામ કૃત્યો આચર્યા હતા. અને જીતના દાવા કર્યા હતા. આજે શરૂઆતથી જ ટીએમસી કરતા ભાજપની વધુ બેઠકોના ટ્રેન્ડ શરૂ થઇ ગયા હતા અને અંતર સતત વધતું રહયું હતું. સવારે 10-30 વાગ્યાની સ્થિતિએ ભાજપ 162 તથા ટીએમસી 125 બેઠકો પર આગળ હતી. કોંગ્રેસ-અન્યના 4 ઉમેદવારો સરસાઇ ધરાવતા હતા.
ઇતિહાસમાં પ્રથમવાર પશ્ચિમ બંગાળમાં ભાજપનો વિજય વાવટો ફરકવાના એંધાણ હતા. દાયકાઓ સુધી ડાબેરી શાસન ચાલ્યા બાદ દોઢ દાયકો મમતા બેનર્જીનું શાસન રહ્યું હતું. પ્રારંભિક ટ્રેન્ડ પ્રમાણે મમતા બેનર્જી, સુવેન્દુ અધિકારી જેવા નેતાઓને લીડ હતી. કોંગ્રેસના અધીર રંજન જેવા નેતાઓ પાછળ હતા.
તામીલનાડુમાં પણ રાજકીય ભૂકંપ હોય તેમ પ્રારંભિક ટ્રેન્ડ રહ્યો હતો. ડીએમકેનું શાસન આવવાની અટકળો-એક્ઝીટ પોલના તારણોથી વિપરીત અભિનેતા થલાપતિ વિજયની પાર્ટી ટીવીકેએ સપાટો બોલાવ્યો હતો. રાજ્યમાં વધુ એક વખત ફિલ્મ અભિનેતાનો રાજકીય ઉદય થયો હોય તેમ સૌથી વધુ બેઠકો પર સરસાઇ હતી. ટીવીકે 103 બેઠકો પર લીડ ધરાવતી હતી જ્યારે અન્નાદ્રમુકની 80 અને ડીએમકેની 42 બેઠકો પર લીડ હતી. કોઇ એક પક્ષને બહુમતિ મળવાના સંકેત નથી.
આસામમાં અપેક્ષા મુજબ ભાજપનો સપાટો રહ્યો હતો અને પ્રચંડ બહુમતિના માર્ગે હતો. મુખ્યમંત્રી હિમંતા વિશ્વા સહિતના નેતાઓ જંગી લીડ તરફ આગળ હતા. 126માંથી ભાજપ 97 બેઠકો પર સરસાઇ ધરાવતો હતો. કોંગ્રેસને 27 બેઠકો પર લીડ ભાજપ રાજ્યમાં જીતની હેટ્રીક સર્જીને પ્રચંડ બહુમતિ હાંસલ કરી શકે છે.
પુડ્ડુચેરીમાં પણ ભાજપની સત્તાનું પુનરાવર્તન થવાની સંભાવના છે. 30 બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપ 22 બેઠકો પર સરસાઇ સાથે સ્પષ્ટ બહુમતિના માર્ગે છે.
કેરળમાં એકઝીટ પોલના તારણો મુજબના અપેક્ષિત પરિણામ આવી રહ્યા હોયમ તેમ કોંગ્રેસ પ્રેરિત કેરળને બહુમતિ મળવાના સંકેત રહ્યા છે અને સત્તા પરિવર્તનના એંધાણ છે. યુડીએફ 100 બેઠકો પર સરસાઇ ધરાવતી હતી. 140 બેઠકોવાળી વિધાનસભામાં એલડીએફને 39 બેઠક પર સરસાઇ હતી. યુડીએફનું શાસન નિશ્ચિત ગણાય છે.

