Sydney, તા.4
વિદેશ જતા ગુજરાતીઓ આમ તો પોતાની સાથે સૂકો નાસ્તો અને અથાણા જેવી ચીજવસ્તુઓ ચોક્કસ લઈ જતા હોય છે, પરંતુ કેટલાક માવા-મસાલા અને તમાકુ પણ જોડે લઈ જવાનું નથી ભૂલતા. આવા જ એક મામલામાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર તમાકુની આખી થેલી સાથે એક ગુજરાતી પકડાયો હતો, આ અંગેનો એક વિડીયો યૂટ્યૂબ પર વાયરલ થયો છે.
20 મિનિટના આ વિડીયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર 22-25 વર્ષના એક ગુજરાતીનો લગેજ સૂંઘ્યા બાદ ડૉગ ત્યાં જ બેસી ગયો અને પછી તેના સામાનની તપાસમાં તમાકુ નીકળી હતી
ઈન્ડિયાથી આવેલી ફ્લાઈટના પેસેન્જરના સામાનમાં કંઈક શંકાસ્પદ છે તેનો અણસાર આવતા જ આ પેસેન્જરને સાઈડમાં લઈ જવાયો હતો અને પછી તેના સામાનની તપાસ શરૂ કરાઈ હતી. જોકે, તે પહેલા આ બેગ્સ તેની પોતાની છે, તેણે જાતે આ બેગ્સ પેક કરી છે અને તેમાં કયો-કયો સામાન છે તેની પણ તેને જાણ છે તે ક્નફર્મ કરવામાં આવ્યું હતું.
તેની બેગ્સમાંથી મળેલા બે પેકેટ્સમાં પણ બે થેલીઓ હતી જેમાં કંઈક ભરેલું હતું, ઓફિસર્સે તે થેલી કાઢી ત્યારે પેસેન્જરનું ટેન્શન વધી ગયું હતું. ત્યારબાદ તેને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ બંને પેકેટ્સ સ્નેક્સના છે પરંતુ તેમાં સ્નેકને બદલે કંઈક બીજું જ ભરવામાં આવ્યું છે. આ પેકેટ્સમાંથી મળેલી બે થેલીઓ ખોલવામાં આવી ત્યારે તેમાંથી ખાસ્સી માત્રામાં તમાકુ મળી આવી હતી.
ઓફિસરે પેસેન્જરને પૂછ્યું હતું કે આ શું છે, અને તેના જવાબમાં પેસેન્જરે કહી દીધું હતું કે આ તમાકુ એટલે કે ટોબેકો છે. પોતાની ચોરી પકડાઈ જતા આ પેસેન્જરે કબૂલ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં રહેતા પોતાના દોસ્તે ઈન્ડિયાથી ટોબેકો મગાવી હતી. તેને કહેવાયું હતું કે હવે તારે દંડ ભરવો પડશે અને ત્યારે આ યુવકે સોરી કહીને પોતાની ભૂલ સ્વીકારી હતી.
ઓસ્ટ્રેલિયામાં લૂઝ ટોબેકો રિસ્ટ્રિક્ટેડ આઈટમ્સના લિસ્ટમાં આવે છે, કોઈ પેસેન્જરના બેગેજમાંથી જો તે મળી આવે તો તેને દંડ ભરવો પડી શકે છે અને તેમાંય જો ક્વોન્ટિટી વધારે હોય તો મામલો ઘણો ગંભીર બની જાય છે અને સ્મગ્લિંગનો પ્રયાસ કરવાનો ચાર્જ પણ લાગી શકે છે.
મેલબોર્ન એરપોર્ટ પર પકડાયેલા ગુજરાતીની વાત કરીએ તો તેની પાસેથી ટોબેકોનો જંગી જથ્થો મળી આવતા એક ઓફિસરે તેને સમજાવ્યું હતું કે તેણે સ્નેક્સના સીલ પેક પેકેટ્સને ખોલી તેમાં ટોબેકો ભરી તેને ઓસ્ટ્રેલિયા લાવવા પ્રયાસ કર્યો છે તેમજ બેગમાં ટોબેકો હોવાની જાણ હોવા છતાંય ફોલ્સ ડિક્લેરેશન પણ આપ્યું છે જે ગંભીર બાબત છે.

