લક્ષ્મીનગર ઓફિસના ફાઈનાન્સ હેડને MDનો ફોટો બતાવી રોકડ રકમ ખંખેરી , પશ્ચિમ બંગાળની બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હોવાનું સામે આવ્યું
Rajkot,તા.05
રાજકોટમાં સાયબર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પીજીવીસીએલના એમડીના નામે ખોટો મેસેજ મોકલીને ખુદ કંપનીના જનરલ મેનેજર (ફાઈનાન્સ) સાથે રૂા. 45.60 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ઉચ્ચ અધિકારીના નામે થયેલી આ ઠગાઈથી પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પીજીવીસીએલની લક્ષ્મીનગર સ્થિત કોર્પોરેટ ઓફિસમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ) તરીકે ફરજ બજાવતા કિન્તુકુમાર મલકાણ ગઈકાલે બપોરે એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. વોટ્સએપ પ્રોફાઈલમાં પીજીવીસીએલના એમડી કેતન જોશીનો ફોટો હતો. મેસેજમાં લખ્યું હતું કે, “મલકાન, આ મારો પર્સનલ નંબર છે, કોઈની સાથે શેર કરશો નહીં.” ગઠિયાએ એમડી તરીકે ઓળખ આપી મલકાણને જણાવ્યું હતું કે તેઓ મીટિંગમાં વ્યસ્ત છે અને અત્યારે તાકીદે એક પેમેન્ટ કરવાનું છે. મેસેજ દ્વારા મનીષા મંડલ નામની બેનિફિશિયરીની વિગતો આપી રૂા. 45.60 લાખ તાત્કાલિક જમા કરાવવા સૂચના આપી હતી. એમડીનો આદેશ સમજી મલકાણે એસબીઆઈની જીમખાના બ્રાન્ચમાંથી આરટીજીએસ દ્વારા આ રકમ ટ્રાન્સફર કરાવી દીધી હતી. પહેલું પેમેન્ટ થયાના થોડા જ સમય બાદ ફરીથી રૂા. 30.60 લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ આવતા મલકાણને શંકા ગઈ હતી. તેઓ તુરંત જ એમડી કેતન જોશીની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં ખબર પડી કે એમડીએ આવો કોઈ મેસેજ કર્યો જ નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા તેમણે તત્કાળ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર જાણ કરી અને ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જે ખાતામાં રૂા. 45.60 લાખ જમા થયા છે તે પશ્ચિમ બંગાળનું છે. તપાસનો વિષય એ છે કે ગઠિયાઓને કેવી રીતે ખબર પડી કે એમડી ખરેખર તે સમયે મીટિંગમાં જ હતા? આ પાછળ કોઈ જાણભેદુ હોવાની કે ટેકનિકલ દેખરેખ રાખવામાં આવી હોવાની આશંકાએ પોલીસે તપાસ તેજ કરી છે.

