વિનોદભાઇ માછી નિરંકારી
પૂર્વશ્ર્લોકમાં ભગવાને બતાવ્યું કે જે મને જે ભાવથી સ્વીકારે છે,હું પણ તેને તે જ ભાવથી સ્વીકારૂં છું એટલે કે મારી પ્રાપ્તિ બહુ જ સરળ અને સુગમ છે,એવું હોવા છતાં પણ લોકો ભગવાનનો આશ્રય કેમ લેતા નથી? એનું કારણ આગળના શ્ર્લોક(૪/૧૨)માં બતાવે છે.
કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ
ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા
(કર્મણામ્-કર્મોના, સિદ્ધિમ્-ફળને(સિદ્ધિને), કાઙ્ક્ષન્તઃ-ઇચ્છનારા માણસો, દેવતાઃ-દેવતાઓનું, યજન્તે-પૂજન કરતા રહે છે, હિ-કેમકે, ઇહ-આ, માનુષે લોકે-મનુષ્ય લોકમાં, કર્મજા-કર્મોથી ઉત્પન્ન થનારી, સિદ્ધિઃ-સિદ્ધિ, ક્ષિપ્રમ્-સત્વરે, ભવતિ-મળી જાય છે.)
કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમકે આ મનુષ્ય લોકમાં કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સત્વરે મળી જાય છે.
આ શ્ર્લોકમાં ‘સિદ્ધિર્ભવતિ કર્મજા’ એ સૂક્તિ છે,વાતો કે વિચારોથી નહી પરંતુ કર્મથી સિદ્ધિ મળે છે. પોતે કર્મ કરે એટલે તેનું સિદ્ધિરૂપ ફળ પણ મળે જ તેવી આકાંક્ષા રાખવી એ દોષ નથી,પણ તેવી આકાંક્ષા ન રાખવી તે મહાનતા છે.અહી કર્મનો અર્થ કર્મકાંડ છે.કર્મકાંડ એટલે હોમ-હવન,યજ્ઞ-યાગાદિ,અનુષ્ઠાનો વગેરે..આવાં કર્મો કરનારા દેવતાઓનું યજન કરતા હોય છે.દેવો ઘણા છે અને જેની જેવી આકાંક્ષા હોય તે તેવા દેવનું યજન કરતા રહે છે.આવા કર્મોથી સાધકને તરત જ સિદ્ધિ પ્રાપ્તિ થાય છે.
‘કાઙ્ક્ષન્તઃ કર્મણાં સિદ્ધિં યજન્ત ઇહ દેવતાઃ’ મનુષ્યને નવિન કર્મ કરવાનો અધિકાર મળેલો છે.કર્મ કરવાથી જ સિદ્ધિ થાય છે-એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે.આ કારણે મનુષ્યના અંતઃકરણમાં આ વાત દ્રઢ થઇ ગઇ છે કે કર્મ કર્યા વિના કોઇપણ વસ્તુ મળતી નથી.તેઓ એવું સમજે છે કે સાંસારીક વસ્તુઓની જેમ ભગવાનની પ્રાપ્તિ પણ કર્મ એટલે કે તપ,ધ્યાન,સમાધિ વગેરે કરવાથી જ થાય છે.નાશવાન પદાર્થોની કામનાઓના કારણે તેમની દ્રષ્ટિ આ વાસ્તવિકતા તરફ જતી જ નથી કે સાંસારીક વસ્તુઓ કર્મજન્ય છે, એકદેશીય છે,આપણને નિત્ય પ્રાપ્ત નથી,આપણાથી અલગ છે અને અપરીવર્તનશીલ એટલા માટે તેમની પ્રાપ્તિના માટે કર્મ કરવાં આવશ્યક છે પરંતુ ભગવાન કર્મજન્ય નથી,સર્વત્ર પરીપૂર્ણ છે,આપણને નિત્ય પ્રાપ્ત છે,આપણાથી અલગ નથી અને અપરીવર્તનશીલ છે એટલા માટે ભગવત્પ્રાપ્તિમાં સાંસારીક વસ્તુઓ ની પ્રાપ્તિનો નિયમ ચાલતો નથી.ભગવત્પ્રાપ્તિ ફક્ત ઉત્કટ અભિલાષાથી થાય છે.ઉત્કટ અભિલાષા જાગૃત ન થવામાં ખાસ કારણ સાંસારીક ભોગોની કામના જ છે.
ભગવાન તો પિતા સમાન છે અને દેવતાઓ દુકાનદાર સમાન છે.જો દુકાનદાર વસ્તુ ના આપે તો તેને પૈસા લેવાનો અધિકાર નથી,પિતાનો પૈસા લેવાનો અને વસ્તુ આપવાનો પણ અધિકાર છે.બાળકને પિતા પાસેથી કોઇ વસ્તુ લેવા માટે કોઇ મૂલ્ય આપવું પડતું નથી પરંતુ દુકાનદાર પાસેથી વસ્તુ લેવા માટે મૂલ્ય આપવું પડે છે,એવી જ રીતે ભગવાન પાસેથી કંઇ લેવાને માટે કોઇ મૂલ્ય આપવાની જરૂર નથી પરંતુ દેવતાઓ પાસેથી કંઇ મેળવવા માટે કર્મો વિધિપૂર્વક કરવાં પડે છે.દુકાનદાર પાસે બાળક દિવાસળી, ચાકુ વગેરે હાનીકારક વસ્તુઓ પણ પૈસા આપીને ખરીદી શકે છે પરંતુ જો તે પિતા પાસેથી એવી હાનીકારક વસ્તુઓ માંગે તો પિતા તેને નહી આપે અને પૈસા પણ લઇ લેશે.પિતા એ જ વસ્તુ આપે છે જેમાં બાળકનું હિત હોય.એ જ રીતે દેવતાઓ પોતાના ઉપાસકોને તેમના હિત-અહિતનો વિચાર કર્યા વિના તેમની ઇચ્છિત વસ્તુઓ આપી દે છે પરંતુ પરમ પિતા ભગવાન પોતાના ભક્તોને પોતાની ઇચ્છાથી તે જ વસ્તુઓ આપે છે જેમાં તેમનું પરમ હિત હોય છે.એવું હોવા છતાં પણ નાશવાન પદાર્થોની આસક્તિ,મમતા અને કામનાને કારણે અલ્પબુદ્ધિવાળા મનુષ્યો ભગવાનની મહત્તા અને મિત્રતાને જાણતા નથી એટલા માટે તેઓ અજ્ઞાનવશ દેવતાઓની ઉપાસના કરે છે.(ગીતાઃ૭/૨૦-૨૩ ૯/૨૩-૨૪)
‘ક્ષિપ્રં હિ માનુષે લોકે સિદ્ધિર્ભવતિ કર્મજા’-આ મનુષ્યલોક કર્મભૂમિ છે. ‘કર્માનુબંધીનિ મનુષ્યલોકે’ એના સિવાય બીજા સ્વર્ગ-નરક વગેરે લોક ભોગભૂમિઓ છે.મનુષ્યલોકમાં પણ નવું કર્મ કરવાનો અધિકાર પશુ-પક્ષી વગેરે નહી પરંતુ ફક્ત મનુષ્યને જ છે.મનુષ્ય શરીરમાં કરેલા કર્મોનું ફળ જ લોક અને પરલોકમાં ભોગવવામાં આવે છે.મનુષ્ય લોકમાં કર્મોની આસક્તિવાળા મનુષ્ય રહે છે.કર્મોની આસક્તિના કારણે તેઓ કર્મજન્મ સિદ્ધિ પર જ આસક્ત થાય છે.કર્મોથી જે સિદ્ધિ થાય છે તે જો કે શીઘ્ર મળી જાય છે તો પણ તે સદાય રહેવાવાળી નથી હોતી કારણ કે કર્મોનો આરંભ અને અંત હોય છે,ત્યારે તેમનાથી થવાવાળી સિદ્ધિ(ફળ) સદા કેવી રીતે રહી શકે? એટલા માટે નાશવાન કર્મોનું ફળ નાશવાન હોય છે,પરંતુ કામનાવાળા મનુષ્યની દ્રષ્ટિ શીઘ્ર મળવાવાળા ફળ ઉપર તો જાય છે પરંતુ તેના નાશની તરફ જતી નથી. વિધિપૂર્વક સાંગોપાંગ કરવામાં આવેલા કર્મોનું ફળ દેવતાઓ પાસેથી શીઘ્ર મળ્યા કરે છે એટલા માટે તેઓ દેવતાઓનું જ શરણ લે છે અને તેમની આરાધના કરે છે.કર્મજન્ય ફળ ઇચ્છવાના કારણે તેઓ કર્મબંધનથી મુક્ત થતા નથી અને પરીણામ સ્વરૂપે વારંવાર જન્મતા-મરતા રહે છે.
જે વાસ્તવિક સિદ્ધિ છે તે કર્મજન્ય નથી.વાસ્તવિક સિદ્ધિ ‘ભગવત્પ્રાપ્તિ’ છે.ભગવત્પ્રાપ્તિનાં સાધનો-કર્મયોગ,જ્ઞાનયોગ અને ભક્તિયોગ પણ કર્મજન્ય નથી.યોગની સિદ્ધિ કર્મો દ્વારા થતી નથી પરંતુ કર્મોના સબંધ-વિચ્છેદથી થાય છે.પોતાને માટે કર્મ કરવાથી જ પરમાત્માની સાથે નિત્યયોગનો અનુભવ થતો નથી.કર્મયોગમાં પોતાના માટે એટલે કે ફળની પ્રાપ્તિના માટે નહી પરંતુ બીજાઓના માટે જ બધાં કર્મો કરવામાં આવે છે.પોતાના માટે કર્મો કરવાથી મનુષ્ય બંધાય છે અને બીજાઓના માટે કર્મો કરવાથી તે મુક્ત થઇ જાય છે.કર્મયોગમાં બીજાઓના માટે જ કર્મો કરવાથી કર્મો અને ફળ સાથેનો સબંધ વિચ્છેદ થઇ જાય છે,જે ‘યોગ’નો અનુભવ કરવામાં હેતુ છે.
કર્મ કરવામાં ‘પર’ એટલે કે શરીર,ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,પદાર્થ,વ્યક્તિ,સ્થળ,કાળ વગેરે પરિવર્તનશીલ વસ્તુઓની સહાય લેવામાં આવે છે,તેમની સહાય લેવી એ પરતંત્રતા છે.સ્વરૂપ જેવું છે તેવું જ રહે છે,તેમાં ક્યારેય કોઇ પરિવર્તન થતું નથી એટલા માટે તેની અનુભૂતિમાં ‘પર’ કહેવાતા શરીર વગેરે પદાર્થોના સહયોગની લેશ માત્ર પણ અપેક્ષા કે આવશ્યકતા નથી.‘પર’ સાથે માનેલા સબંધનો ત્યાગ થવાથી સ્વરૂપ માં સ્વતઃસિદ્ધિ સ્થિતિનો અનુભવ થઇ જાય છે.
વિનોદભાઇ માછી નિરંકારી
૯૭૨૬૧૬૬૦૭૫(મો)

