Netherlands, તા.8
સાઉથ એટ્લાંટિકમાં હંતા વાયરસથી અસરગ્રસ્ત ક્રૂઝ શિપમાંથી ડઝનબંધ યાત્રીઓ કોઇ સંપર્ક ટ્રેસીંગ વિના ઉતરી ગયા હતા. આ ખુલાસો પહેલા યાત્રીના મોતના લગભગ 2 સપ્તાહ બાદ થયો છે.
ડચ અધિકારીઓ અને શિપ સંચાલક કંપની ઓશનવાઇડ એકિસપીડિશન્સે ગુરુવારે તેની પુષ્ટિ કરી છે. કંપની મુજબ 24 એપ્રિલ હેલેના દ્વીપ પર જહાજ રોકાયા દરમિયાન 29 યાત્રી ઉતર્યા હતા.
જ્યારે ડચ વિદેશ મંત્રાલયે આ સંખ્યામાં લગભગ 40 બતાવી છે. આ યાત્રી 12 દેશોના હતા અને બાદમાં પોતાના દેશમાં રવાના થઇ ગયા હતા. આથી સંક્રમણ ફેલાવાની આશંકા વધી ગઇ છે. જો કે વિશેષજ્ઞોનું કહેવું છે કે આમ લોકો માટે હાલમાં ખતરો ઓછો માનવામાં આવી રહ્યો છે.
સૌથી પહેલા એક ડચ યાત્રીની 11 એપ્રિલે જહાજમાં મોત થયું હતું, તેનું શબ 24 એપ્રિલે સેન્ટ હેલેનામાં ઉતારવામાં આવ્યું હતું. તેમની પત્ની પણ ત્યાં ઉતરી અને પછીના દિવસે દક્ષિણ આફ્રિકા પહોંચી જ્યાં બાદમાં તેનું મૃત્યુ થયું.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અનુસાર આ વાઇરસથી કોરોના જેવો ખતરો નથી. લોકોને ગભરાવવાની જરુર નથી. બુધવારે જહાજના ડોકટર સહિત 3 લોકોને સારવાર માટે યુરોપ મોકલવામાં આવ્યા. જહાજ હાલમાં સ્પેનના કેનરી દ્વીપ તરફ આગળ વધી રહ્યું છે. જ્યાં આગામી 3-4 દિવસમાં પહોંચવાની આશા છે, હજુ પણ જહાજ પર 140થી વધુ યાત્રી અને ક્રૂ-મેમ્બર છે.
સંપર્કમાં આવનારાઓની અધિકારીઓ દ્વારા તલાશ
સ્વિટ્ઝર્લેન્ડમાં પણ એક યાત્રી સંક્રમિત મળ્યા બાદ યુરોપ અને દક્ષિણ આફ્રિકાના અધિકારીએ યાત્રીઓનો પતો લગાવવામાં લાગ્યા છે. જે અગાઉ જહાજમાંથી ઉતરી ચૂક્યા છે.
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હંતા વાયરસ સામાન્ય રીતે સંક્રમિત ઉંદરોના મળ-મુત્રા કે લાળથી ફેલાય છે. આ જહાજ પરથી મળી આવેલ વાયરસની ઓળખ એન્ડીઝ વાયરસ તરીકે થઇ છે, જે માણસથી માણસમાં ફેલનાર એક માત્ર જાણીતો હંતા વાયરસ માનવામાં આવે છે.

