Rajkot, તા.8
રાજકોટમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી ગયો છે અને હજુ એક અઠવાડિયું યેલો એલર્ટ છે ત્યારે મહાપાલિકા તંત્ર ચિત્રમાં આવ્યું છે. ત્રિકોણબાગ ખાતે ગ્રીન નેટથી છાંયડા અને સ્પ્રીંકલરનો પ્રયોગ ટ્રાયલમાં છે ત્યારે સીટી બસ સ્ટોપ અને બાંધકામ સાઇટ સહિતના જાહેર સ્થળોએ મજુર વર્ગ સહિતના લોકો માટે પીવાના પાણી, છાસ, ઓઆરએસની વ્યવસ્થા શરૂ કરી છે.
કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, હિટ એકશન પ્લાન લાગુ શાખાઓ માટે અમલમાં મુકવામાં આવ્યો છે. મે મહિનામાં ગરમી ખુબ વધે તેવો અંદાજ છે. ગઇકાલે ત્રિકોણબાગ ચોકમાં છાંયડાની વ્યવસ્થા કરાઇ છે.
આ જ રીતે રાજકોટના બીઝી ટ્રાફિક સિગ્નલ અને ભીડવાળા ચોકમાં આવી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. બસ સ્ટોપ, અલગ અલગ બાંધકામ સાઇટ, મોટા ચોકમાં પાણી, છાસની વ્યવસ્થા કરાઇ છે. લોકોને ઓઆરએસનું પાણી મળે તે પ્રકારે જગ સાથે સ્ટાફની ટીમ ઉતારવામાં આવી છે.
રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર 19 બસ સ્ટોપ આવેલા છે. આ બસ સ્ટોપ પર આવતા મુસાફરો માટે પાણી અને ઓઆરએસ સાથેના જગ મુકવામાં આવ્યા છે. ડિસ્પોઝેબલ ગ્લાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત શહેરમાં દોડતી સીએનજી સીટી બસમાં પણ પાણીના એક-એક જગ મુકવામાં આવ્યાનું સીટી ઇજનેર પરેશ અઢીયાએ જણાવ્યું હતું.
શહેરમાં બપોરે 1 થી પના ભારે તડકામાં તમામ ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. તમામ બાંધકામ સાઇટ ઉપર મજુરોને ઓઆરએસ પાણી આપવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વર્કર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાણીના કેરબામાં આ પાવડર મિશ્ર કરીને આપવામાં આવે છે. મોટા ચોક અને ટ્રાફિકવાળા સ્થળે આરોગ્ય વિભાગે જરૂરી વ્યવસ્થા કર્યાનું આરોગ્ય અધિકારી ડો. વકાણીએ જણાવ્યું હતું.

