Chennai તા.8
તામિલનાડુમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં સરકાર રચવા માટે સૌથી મોટા પક્ષ તરીકે ટીવીકે અને તેના વડા વિજયને આમંત્રણ નહી મળતા હવે ડીએમકે અને અન્નાડીએમકે હાથ મિલાવે તેવા સંકેત છે. 50 વર્ષથી તામિલનાડુની રાજનીતિમાં કટ્ટર હરિફ રહેલા ડીએમકેએ શરત મુકી છે કે જો અન્નાડીએમકે ભાજપ સાથેનું જોડાણ તોડી નાંખે તો અમે તેની સાથે જોડાણ કરવા આતુર છીએ.
બીજી તરફ સૌથી મોટા પક્ષ હોવા છતાં સરકાર રચવાથી દુર રાખવાની ચાલથી ટીવીકે ભડકી ઉઠયું છે અને તેણે ધમકી આપી છે કે જો તેમને સરકાર રચવા માટે આમંત્રણ નહી અપાય તો વિધાનસભામાંથી તેના તમામ 107 સભ્યો રાજીનામા આપશે.
ડીએમકે વડા અને પુર્વ મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલીન એ પોતાના પતા પુરા ખોલ્યા નથી અને પહેલા અન્નાડીએમકે ભાજપનો સાથ છોડવા નિર્ણય લે તે શરત મુકી છે. બીજી તરફ હાલ પુંડુચેરીમાં એક રિસોર્ટમાં રખાયેલા અન્નાડીએમકેના ધારાસભ્યોને મળવા પક્ષના મહામંત્રી સહિતના વરિષ્ઠ નેતાઓ પહોંચી ગયા છે.
તેઓ ડીએમકેની ફોર્મ્યુલા પર વિચારશે તેવા સંકેત છે. ડીએમકેના સૂત્રોના જણાવ્યા મુજબ રાજયમાં આગામી છ માસમાં કોઈ રાજકીય પક્ષ ચુંટણી ફરીથી યોજાય તે માટે તૈયાર નથી. અમે ડીએમકેને બહારથી ટેકો આપવા તૈયાર છીએ પણ તે માટે તેને ભાજપનો સાથ છોડવો પડશે.
રાજય વિધાનસભાની ચૂંટણીમાં અન્નાડીએમકે અને ભાજપે સાથે ચુંટણી લડી હતી. જો કે ભાજપને ફકત એક જ બેઠક મળી છે. ડીએમકે એ દાવો કર્યો છે કે ટીવીકેને સરકાર રચવામાં વિઘ્ન બનશુ નહી પરંતુ જો નિષ્ફળ જાય તો ડીએમકે અને અન્નાડીએમકેનું ગઠબંધન થઈ શકે છે.
આ અંગે ડીએમકેની ધારાસભ્યની બેઠકમાં આખરી નિર્ણય લેવા એમ.કે.સ્ટાલીનને સતા અપાશે. આ અગાઉ રાજયના બંને ડાબેરી પક્ષો તથા પ્રાદેશિક પક્ષ વીસીકે ના નેતાઓ સ્ટાલીનને તેના નિવાસે મળ્યા હતા. જો કે ડાબેરી પક્ષો અન્નાડીએમકે સાથે જોડાણ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે પણ ભાજપનો સાથ છોડે તો તે જોડાણ માટે તૈયાર થઈ શકે છે.

