વર્તમાન વિધાનસભાની મુદત રવિવારે પુરી થાય છેઃ કેન્દ્ર એકશનમાં આવશે
New Delhi તા.8
તામિલનાડુમાં સરકાર રચવાની પ્રક્રિયામાં જે મડાગાંઠ સર્જાઈ છે તેમાં કેન્દ્ર સરકાર દુરથી તમાશો જોઈ રહી છે પણ તા.10 સુધીમાં સરકાર ન રચાય તો રાજયમાં રાષ્ટ્રપતિ શાસન આવી જશે. તામિલનાડુની વર્તમાન વિધાનસભાની મુદત તા.10ના રોજ પુરી થઈ રહી છે.
નવી વિધાનસભાની રચનાનું જાહેરનામુ બહાર પડી ગયુ છે પણ કોઈ પક્ષને બહુમતી નહી હોવાથી સરકાર રચવા માટે જે પ્રશ્ન સર્જાયો છે તેનો જવાબ તા.10 સુધીમાં ન મળે તો રાજયમાં વિધાનસભાને સુશુક્ત અવસ્થામાં રાખીને રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાશે અને તે રીતે કેન્દ્ર સરકાર તામિલનાડુ પર રાજ કરશે.
શું છે બહુમતીના સમીકરણ!
તામિલનાડુના ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ છે કે કોઈપણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ટીવીકે પાર્ટી જે અભિનેતા થલાપતિ વિજયન એ બે વર્ષ પહેલા જ સ્થાપી હતી તેને 107 બેઠકો આવી છે જયારે 234 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 118 બેઠકો જરૂરી છે. આમ તેની પાસે 11 ધારાસભ્યોનો ટેકો ખુટે છે. જેમાં કોંગ્રેસે પાંચ ધારાસભ્યોનો ટેકો આપવા તૈયારી કરી છે તેમ છતાં આંકડો 112 સુધી પહોંચે છે.
હવે ડીએમકે અને અન્નાડીએમકે જો સાથે આવે તો બહુમતીના 118ના આંકડા સુધી પહોંચતો નથી. ડીએમકે પાસે 59 ધારાસભ્યો છે અને એડીએમકે પાસે 47 છે. બંને સાથે આવે તો 106 થાય છે તેમાં પણ 12 ધારાસભ્યો ખુટે છે. જો કે અન્ય દ્રવિડીયન પક્ષો જેમાં પીએમકે પાસે ચાર, વીસીકે પાસે બે ઉપરાંત ઈન્ડીયન મુસ્લીમ લીગ સીપીઆઈ અને સીપીઆઈએમના બે બે ધારાસભ્યો છે.
આમ 12 ધારાસભ્યો તેમની પાસે આવે તો 118 થઈ શકે છે. કોંગ્રેસે તેના પાંચ ધારાસભ્યો સાથે ટીવીકેને ટેકો આપવાની જાહેરાત કરી છે પણ તેનાથી ડીએમકે નારાજ છે. આમ રાજયમાં કોકડુ જબરુ ગુંચવાયું છે.

