Gandhinagar ,તા.૯
રાજ્યમાં બર્ડ ફ્લૂનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે પાટનગર ગાંધીનગરનું પશુપાલન વિભાગ અને વહીવટી તંત્ર એકદમ સાબદું બની ગયું છે. કોઈપણ પ્રકારના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા એક એડવાન્સ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ અંતર્ગત જિલ્લામાં ૧૮ જેટલી વિશેષ ટીમોની રચના કરવામાં આવી છે, જેણે વિવિધ તાલુકાઓમાં આવેલા મરઘાં ફાર્મ્સમાં જઈને ઝીણવટભરી તપાસનો દોર શરૂ કરી દીધો છે.
ગાંધીનગરવાસીઓ માટે સૌથી મોટી રાહતની વાત એ છે કે, જિલ્લામાં અત્યાર સુધી બર્ડ ફ્લૂનો એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવ માત્ર આગોતરી સાવચેતીના ભાગરૂપે છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી મુશ્કેલી ન સર્જાય. પશુપાલન વિભાગે તમામ ફાર્મ માલિકોને બાયો-સિક્યુરિટી અને સ્વચ્છતાની માર્ગદર્શિકાનું કડક પાલન કરવા તાકીદ કરી છે.
જિલ્લાના જે વિસ્તારોમાં મોટા પાયે મરઘાં ઉછેર કેન્દ્રો આવેલા છે, ત્યાં આ ૧૮ ટીમો દ્વારા રાઉન્ડ-ધ-ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગાંધીનગર આસપાસના ઉવારસદ, પોર, વલાદ, પાલજ, પ્રાંતિયા અને મગોડી વિસ્તારના ફાર્મ્સમાં તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, દહેગામ પંથકના બહિયલ, ધારીસણા, બિલમણા અને જલુન્દ્રા ખાતે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે, જ્યારે કલોલ અને માણસા વિસ્તારના ભિમાસણ, છત્રાલ, વડાવસ્વામી, રંગપુર અને ઈટાદરાના મરઘાં ફાર્મ્સ પર પણ તંત્ર દ્વારા બાજનજર રાખવામાં આવી રહી છે.
તંત્ર દ્વારા તમામ મરઘાં ઉછેર કેન્દ્રોના માલિકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જો ફાર્મમાં કોઈ પણ પક્ષીનું અચાનક કે શંકાસ્પદ રીતે મોત થાય, તો તાત્કાલિક ધોરણે પશુપાલન વિભાગનો સંપર્ક કરવો. આ ઉપરાંત, ફાર્મમાં અવરજવર કરતા તમામ કામદારો અને વાહનોનું નિયમિત સેનિટાઈઝેશન ફરજિયાત કરવાનું રહેશે. વધુમાં, સમયાંતરે પક્ષીઓના સેમ્પલ લઈને તેને ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે, જેમાં તમામ સંચાલકોએ પૂરતો સહકાર આપવાનો રહેશે.

