Gandhinagar,તા.24
રાજયમાં શરાબબંધીનો કાયદો કડક બનાવવા સાથે નશાના કારોબારને રોકવા પ્રતિબધ્ધતા દર્શાવવામાં આવી રહી છે.ત્યારે રાજય સરકારે ગાંધીનગર ગીફટ સીટીમાં પ્યાસીઓ માટે દારૂ સસ્તો કરી દીધો છે. ગીફટ સીટીમાં વેચાતા દારૂ પરનો વેટ 65 ટકાથી ઘટાડીને 22 ટકા કરાયો છે.જયારે 30 એમએલ દારૂ પીરસવા પર લેવાતી રૂા.240 ની ખાસ ફી રદ કરી નાખી છે.
રાજય સરકારના ટોપ લેવલનાં સુત્રોએ કહ્યું કે રાજયનાં અન્ય મહાનગરોમાં અને ગીફટ સીટીમાં શરાબનાં ભાવો સમાન રહે તે માટે આ નિર્ણય લેવાયો છે.અત્યાર સુધીમાં ગીફટ સીટીમાં શરાબની છુટછાટ હતી પરંતુ રાજયના અન્ય ભાગોમાં પરમીટથી વેચાતા દારૂ કરતા ઘણી વધુ કિંમત વસુલાતી હતી.
સામાન્ય રીતે 30 એમએલ વિદેશી શરાબની કિંમત રૂા.100 આસપાસ થતી હોય છે. પરંતુ ગીફટ સીટીમાં તે 561 થતી હતી. 65 ટકા વેટ પેટે રૂા.221 તથા 240 ની ખાસ ફી વસુલાતી હતી. હવે ટેકસ અને ખાસ ફી ઘટાડાતા શરાબનો એક પેગ 125 રૂપિયામાં મળશે.
સુત્રોના કહેવા પ્રમાણે ગીફટ સીટી માટે આ નિર્ણય ગેમ ચેન્જર બનશે. વ્યવસાયિકો-હોસ્પીટાલીટી ક્ષેત્ર તેની માંગ કરી રહ્યા હતા. અત્યાર સુધી એક લીટર શરાબ પર 8000 ની ખાસ ફી હતી જે 30 મીલી પર 240 થતી હતી.
દેશના કોઈ મહાનગરોમાં પણ આવી ફી ન હતી આ પછી 65 ટકા વેટ ઉમેરાતા કિંમત અસામાન્ય વધી જતી હતી. એમ માનવામાં આવી રહ્યું છે કે રાજયમાં આવતા વર્ષોમાં કોમનવેલ્થ સહીતનાં આંતર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાવાના છે. ગીફટ સીટી પણ તેનો ભાગ હશે અને તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
ધોલેરા “SIR’ માં પણ ગીફટસીટી જેવી છુટછાટ જાહેર થશે
ગાંધીનગરના ગીફટ સીટીમાં શરાબબંધી હળવી કરી દેવામાં આવી છે તે જ ધોરણે સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ સીટી તરીકે પ્રોજેકટ થયેલા ધોલેરા સ્પેશ્યલ ઈન્વેસ્ટમેન્ટ રીજીયનમાં પણ શરાબ કાયદામાં છુટછાટ આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત પર સરકારે ચર્ચા કરી જ લીધી છે અને તુર્તમાં જાહેરાત થશે. ગીફટ સીટી જેવી જ છુટછાટ આપવામાં આવશે.

