Ahmedabad ,તા.૯
ગુજરાતમાં ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં આવી રહ્યો છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે, ગુજરાતમાં અત્યારે તો માત્ર શરૂઆત છે, અસલી ગરમીનો પારો તો હવે ચઢવાનો શરૂ થશે. ૯ મે બાદ રાજ્યના તાપમાનમાં તોતિંગ વધારો થવાની સંભાવના છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળશે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી આપવામાં આવી છે અને ત્યાં ગરમીનો પારો ૪૨ થી ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ ગરમીનો કેર વર્તાશે, જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ પંથકમાં પણ લૂ ફૂંકાવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા સાવચેતી રાખવા જણાવાયું છે.
ગરમીના આ કેર વચ્ચે રાહતના સમાચાર એ છે કે ૧૫ મે પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, રાજ્યમાં ૧૫ મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. પવનની દિશા બદલાવાને કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. આ ગતિવિધિઓ ચોમાસાના આગમન પૂર્વેના સંકેત માનવામાં આવે છે.
હવામાન નિષ્ણાતે દરિયાઈ પટ્ટી પર રહેતા લોકો માટે પણ ચેતવણી આપી છે. બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાઈ રહેલી સિસ્ટમને કારણે મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. આ હલચલને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં ધરખમ વધારો થશે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે હાઈડ્રેટેડ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

