Surendaranagar તા.16
જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક ચાલતી પીકઅપ વાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ડાંગરના ગઠ્ઠા ભરેલા વાહનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદનસીબે જાનહાનિ ટળી છે.ઘટનાની મળતી માહિતી અનુસાર, એક પીકઅપ ગાડી ડાંગર ભરીને લખતર-વિરમગામ હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઓળક ગામના પાટિયા પાસે અચાનક તેમાં આગ ભભૂકી ઉઠી હતી.
પીકઅપના પાછળના ભાગે આગ લાગી હોવાની ડ્રાઈવરને ખબર ન હતી. આ દરમિયાન પાછળથી આવતા અન્ય એક વાહન ચાલકે આગ જોઈ જતા બૂમો પાડી ડ્રાઈવરને જાણ કરી હતી. ડ્રાઈવરે તુરંત ગાડી ઉભી રાખી બહાર કૂદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.
આગની જાણ થતા જ લખતર પોલીસ અને સુરેન્દ્રનગર ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઓળક ગામના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં મદદ માટે ઉમટી પડ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવી આગપર કાબૂ મેળવ્યો હતો.
આ આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં આખી પીકઅપ ગાડી બળીને ખાક થઈ ગઈ હતી. ડાંગરનો જથ્થો પણ બળી જવાથી મોટું આર્થિક નુકસાન થયું છે. લખતર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે આગ લાગવા અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું મનાય છે.

