(મિલાપ રૂપારેલ દ્વારા)Amreliતા.૨૪
અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલ અને એસ.ટી. ડેપો નજીક આવેલી ઝૂંપડપટીમાં ગઈકાલે મોડી રાત્રે પૈસાની બાબતે દાદી સાથે પૌત્ર માથાકૂટ કરતો હોય જેથી આરોપીનો સગો મોટા ભાઇ વચ્ચે પડતા તેમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર વળાંક લીધો હતો. અને સગા નાનાભાઈએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી પોતાના મોટાભાઈની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને આરોપીને નાસી છૂટે તે પહેલાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીની સિવિલ હોસ્પિટલ અને એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક આવેલ ઝૂંપડપટી વિસ્તારમાં રહેતા મનોજ મુકેશભાઈ વણોદિયાની તેમના સગા નાનાભાઈ મયુર મુકેશભાઈ વણોદિયા દ્વારા હત્યા કરવામાં આવી હતી.
જાણવા મળ્યા મુજબ આરોપી મયુર મુકેશભાઈ વણોદિયા પોતાની દાદી સાથે પૈસાની બાબતે બોલાચાલી કરતો હતો. તે આરોપીનો મોટાભાઈ મનોજ વણોદિયા વચ્ચે પડી પોતાના ભાઇને સમજાવવા જતા દરમિયાન મામલો ઉગ્ર બન્યો હતો. આ દરમિયાન આરોપી મયુર વણોદિયાએ ઉશ્કેરાઈ જઈ તિક્ષ્ણ હથિયાર વડે પોતાના મોટાભાઈ મનોજ વણોદિયા પર હુમલો કર્યો હતો. હુમલામાં મનોજને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાની ઘટનાની જાણ થતાં અમરેલી શહેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ બાદ આરોપી નાસી છૂટવાનો પ્રયાસ કરે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. બનાવ અંગે વધુ તપાસ ચાલી રહી છે. સગા ભાઈએ જ પોતાના મોટાભાઈની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં શોક અને ચકચારનો માહોલ સર્જાયો છે.

