Surat ,તા,18
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના ઉધના રોડ નંબર 6 ખાતે ભાજપના યુવા પદાધિકારી જય દલાલની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને જાહેરમાં ક્રૂર હત્યા કરાતાં ચકચાર મચી ગઈ છે. મૃતક જય દલાલ સુરતના લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબહેન પાટીલની અત્યંત નજીક ગણાતા મહિલા અગ્રણી જયશ્રીબહેન દલાલનો પુત્ર હતો. આ ઉપરાંત તે પોતે પણ ભાજપ સંગઠન સાથે સક્રિયપણે જોડાયેલો હતો અને ડિંડોલી વૉર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની જવાબદારી સંભાળતો હતો. આ હત્યાની ઘટના બાદથી પરિવારમાં આક્રંદની સ્થિતિ જોવા મળી રહી છે. પરિજનો હત્યારાઓને ફાંસીની સજા આપવાની માગ કરી રહ્યા છે. સત્તાધારી પક્ષના જ એક યુવા નેતાની આ રીતે જાહેરમાં હત્યા થઈ જતાં સમગ્ર સુરત ભાજપ અને રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી છે. આ હત્યાને પગલે સામાન્ય જનતામાં પણ ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત સુરતની કાયદો અને વ્યવસ્થા સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે.
