New Delhi, તા.19
ઇરાન યુધ્ધની અસર ભારતમાં પણ પડવા લાગી જ છે. જ્યારે પેટ્રોલ-ડીઝલમાં પાંચ દિવસમાં બીજી વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પેટ્રોલમાં 86 પૈસા તથા ડિઝલમાં 93 પૈસાનો વધારો કરાયો છે.
વિશ્વસ્તરે ક્રૂડતેલના વધતા ભાવો વચ્ચે ભારતમાં પેટ્રોલીય કંપનીઓએ પાંચ દિવસ પૂર્વે ગત સપ્તાહમાં પેટ્રોલ-ડીઝલમાં 3-3 રૂપિયાનો ભાવવધારો કરાયો હતો. આ વધારા પછી પણ તેલ કંપનીઓને પ્રતિ લીટર પેટ્રોલમાં રૂા.17 તથા ડિઝલમાં રૂા.39ની ખોટ થતી હોવાનો દાવો કરાયો હતો. દૈનિક ખોટ 750 કરોડની ગણાવવામાં આવી રહી હતી.
પાંચ દિવસમાં બીજી વખતના ભાવવધારાને પગલે પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો નવો ભાવ 98.64 તથા ડિઝલનો 91.58 થયો છે. રાજકોટમાં પેટ્રોલ 85 પૈસા વધીને 98.13 તથા ડિઝલ 93 પૈસાના ભાવવધારાથી 93.99 થયું છે.
પેટ્રોલીયમ વિક્રેતાઓ એવો સૂર દર્શાવી રહ્યા છે કે ક્રૂડમાં ઉંચા ભાવને કારણે તેલ કંપનીઓને જંગી ખોટ છે. અગાઉ રાજકીય કારણોસર ભાવ દબાવી રખાયા હતા. ગત સપ્તાહમાં 3 રૂપિયા વધારાતા ઉહાપોહ સર્જાયો હતો.
મોટો ભાવ વધારો થાય તો લોકોમાં રોષ વકરી શકે. આ સંજોગોમાં દૈનિક ભાવ બદલાવની અગાઉની નીતિ અપનાવવામાં આવ્યાની શંકા છે. રોજેરોજ થોડો થોડો ભાવવધારો થવાની શક્યતા નકારાતી નથી.
પેટ્રોલીયમ કંપનીઓના સૂત્રોએ કહ્યું કે ગત સપ્તાહમાં 3-3 રૂપિયાના ભાવવધારાથી આંશિક રાહત મળી હતી. પેટ્રોલ-ડિઝલ તથા રાંધણ ગેસના વેચાણ પર 100 કરોડની ખોટ થતી હતી તે 750 કરોડ થઇ હતી. આજના ભાવવધારાથી વધુ થોડી રાહત મળી શકે છે.
સરકારી સૂત્રોએ એમ કહ્યું છે કે, ખોટ ભોગવતી પેટ્રોલીયમ કંપનીઓને રાહત પેકેજ કે સબસીડી આપવાની કોઇ વિચારણા નથી અર્થાત ભાવવધારો ચાલુ રહી શકે છે.

