Surendranagar તા.19
Surendranagar જિલ્લામાં સંકલિત બાળ વિકાસ યોજના કચેરી, પાટડી ઘટક-1 હસ્તકના બજાણા સેજામાં આવેલા સવલાસ-1 આંગણવાડી કેન્દ્રના કાર્યકર સુનિતાબેન એચ. મકવાણાને ફરજ પર સતત ગેરહાજર રહેવાના કારણે તાત્કાલિક અસરથી માનદ સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
સવલાસ-1 કેન્દ્રના કાર્યકર સુનિતાબેન મકવાણા ઓક્ટોબર 2025 થી આજ દિન સુધી પોતાની ફરજ પર ગેરહાજર રહ્યા હતા. લાંબા સમયની આ ગેરહાજરીના કારણે કેન્દ્રની પોષણ સંબંધિત સેવાઓ પર માઠી અસર પડી રહી હતી.
આંગણવાડી કેન્દ્રની ઔપચારિક મુલાકાતો દરમિયાન પણ તેઓ ગેરહાજર જણાતા મુખ્યસેવિકાને તેમનો કપાત પગાર ગણવા સૂચના અપાઈ હતી. તંત્ર દ્વારા તેઓને અવારનવાર મૌખિક તેમજ લેખિત નોટિસો અને હાજર થવા માટે આખરી નોટિસ આપવા છતાં તેઓ ફરજ પર હાજર થયા ન હતા.
મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના ઠરાવની જોગવાઈઓ અનુસાર,સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ ગત તા. 14-05-2026 ના રોજ સંબંધિત કાર્યકરને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવવામાં આવ્યા હતા.
પ્રોગ્રામ ઓફિસરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સુનાવણીમાં સુનિતાબેનને ફરજ બજાવવા માટે પૂરતી સમજણ અને તક આપવામાં આવી હતી, તેમ છતાં તેઓ ફરજ બજાવવા સહમત ન થતાં આખરે તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
