૧૭૫ થી વધુ બાળકોએ માતા-પિતાની આરતી ઉતારી પૂજન કર્યું
Junagadh,તા. ૨૫
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા યોગ સમર કેમ્પમાં આજે એક અદભુત સંસ્કારમય, આધ્યાત્મિક અને ભાવનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. માણાવદર તાલુકાના બાંટવા ખાતે નગરપંચાયત હોલમાં ૧૭૫ થી પણ વધુ બાળકોએ પોતાના માતા-પિતાની સ્તુતિ સાથે આરતી ઉતારી તેમના પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.
બાળકો જ્યારે માતા-પિતાના ચરણોમાં નમન કરી આરતી ઉતારી રહ્યા હતા ત્યારે અનેક વાલીઓની આંખોમાં આનંદ અને લાગણીના આંસુઓ છલકાઈ ઉઠ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન “માતા-પિતા એ જ જીવનના પ્રથમ ગુરુ અને ભગવાન છે” એવો પવિત્ર સંદેશ સૌના હૃદય સુધી પહોંચ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કોઓર્ડીનેટર જયંતિ કાછડીયાએ “નમસ્કાર” ની સુંદર વ્યાખ્યા સમજાવતા જણાવ્યું હતું કે નમસ્કાર માત્ર અભિવાદન નથી, પરંતુ સામે રહેલા વ્યક્તિમાં વસતા પરમાત્માને નમન કરવાની ભારતીય સંસ્કૃતિની દિવ્ય પરંપરા છે. સાથે સાથે તેમણે બાળકો અને વાલીઓને યોગાસનો, સ્મૃતિ ધ્યાન અને સકારાત્મક જીવનશૈલી અંગે માર્ગદર્શન આપી આંતરિક શાંતિ અને સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું.
યોગ ટ્રેનર સંચાલક કાજલબેન અભીચંદાણી , સહ સંચાલક કાજલબેન ચંદાણી તેમજ જીગ્નેશભાઈ રાવલે પણ બાળકોને માતા-પિતાની સેવા, વડીલોનો આદર, સંસ્કાર અને યોગમય જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા. બાળકો દ્વારા રજૂ કરાયેલ સ્તુતિ, પ્રાર્થના અને ભાવસભર અભિવ્યક્તિઓએ સમગ્ર વાતાવરણને ભક્તિ અને પ્રેમથી તરબોળ બનાવી દીધું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ સ્વીકાર્યો હતું કે આજના આધુનિક સમયમાં આવા સંસ્કારમય કાર્યક્રમો બાળકોના જીવનમાં માનવતા, કરુણા અને પરિવારપ્રેમના બીજ વાવે છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત આ યોગ સમર કેમ્પ માત્ર યોગ સુધી મર્યાદિત નથી, પરંતુ બાળકોમાં સંસ્કાર, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિનું સુંદર સિંચન કરતું એક પવિત્ર અભિયાન બની રહ્યું છે.

