કામ અર્થે જઈ રહેલા વાલાભાઈએ સારવાર દરમિયાન દમ તોડ્યો, પરિવારમાં શોક
Harpalsinh Jadeja,Manavadar,તા.25
માણાવદર તાલુકાના વેરવા ગામમાં મોટરસાયકલ સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પરિવારમાં શોક છવાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, માણાવદર તાલુકાના વેરવા ગામે રહેતા વાલાભાઈ નાથાભાઈ કાણગડ (ઉં ૬૦) ગત તા. ૨૩ મેના રોજ સવારના સમયે પોતાનું મોટરસાયકલ લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા. આ દરમિયાન તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું. બાઇક પરથી ફંગોળાઈ જતાં વાલાભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. આ બનાવને પગલે કાણગડ પરિવાર અને વેરવા ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

