એકલવાયું જીવન જીવતા દાદા સાથે ઝપાઝપીમા માથામાં ઇજા પહોંચતા વૃદ્ધએ દમ તોડી દીધો
યુની. પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલી પૌત્ર મોહિતની આકરી પૂછપરછ શરૂ કરી
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેરના રામાપીર ચોકડી નજીક રહેણાંક મકાનમાંથી 73 વર્ષીય વૃદ્ધનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહને યુની. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કરતા પૌત્રએ ગેસ સિલિન્ડર બાબતે માથાકૂટ કરી દાદાને ધક્કો મારતા વૃદ્ધ પટકાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા વૃદ્ધએ દમ તોડી દીધાનું તારણ સામે આવ્યું હતું. હાલ યુની. પોલીસે પૌત્રને હાથવેંતમાં લઇ પૂછપરછનો ધમધમાટ આદર્યો છે.
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ જામનગર જિલ્લાના તમાચણ ગામના વતની અને હાલ રામાપીર ચોકડી નજીક શાસ્ત્રીનગરમાં રહેતા અને એકલવાયું જીવન ગાળતા 73 વર્ષીય વૃદ્ધ અરજણભાઈ દેવદાનભાઈ મિયાત્રા આજે સવારે 6:40 વાગ્યે તેમના ઘરમાંથી જ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાં હતા. જેથી જમાઈ સહિતના પરિજનો તાત્કાલિક વૃદ્ધને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જયા ફરજ પરના તબીબે વૃદ્ધને મૃત જાહેર કરી દીધા હતા.
જે બનાવની જાણ થતાં યુની. પોલીસની ટીમ સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી અને વૃદ્ધને માથાના ભાગે ઇજા હોય મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં સૌ પ્રથમ રેલનગરમાં રહેતા પૌત્ર મોહિત રમેશભાઈ મિયાત્રાએ જોયા હતા. બાદ તેણે વૃદ્ધના જમાઈ હરિભાઈ સહિતનાને ટેલિફોનિક જાણ કરી હતી. જેથી પોલીસે પૌત્ર મોહિતની પૂછપરછ શરૂ કરી હતી. પૌત્રએ પોલીસની આકરી પૂછપરછમાં ભાંગી પડી કબૂલાત આપતાં જણાવ્યું હતું કે, આજે સવારે તે દાદાના ઘરે ગેસ સિલિન્ડર લેવા અર્થે ગયો હતો પણ દાદાએ સિલિન્ડર આપવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઇ હતી. દરમિયાન મોહિતે દાદાને ધક્કો મારતા તેઓ પટકાયા હતા. જેથી તેમના માથાના ભાગે ઇજા પહોંચતા તેઓ લોહી લુહાણ થઇ ત્યાં જ બેભાન થઇ ગયા હતા. બાદમાં સરકારી હોસ્પિટલ ખાતે તેમને સારવાર મળે તે પૂર્વે જ દમ તોડી દીધો હતો. જેથી યુની. પોલીસે પૌત્રને હાથવેંતમાં લઇ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

