મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં નર્સિંગ છાત્ર પર વિદ્યાર્થીએ અને દારૂ પીવાની ના પાડતા પતિએ પત્નીને માર માર્યો
પોપટપરામાં પત્નીનો પતિ પર અને હુડકો ક્વાર્ટરમાં પતિનો પરિણીતા પર હુમલો
Harpalsinh Jadeja,Rajkot,તા.25
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ છેલ્લા ૨૪ કલાકમાં મારામારીના પાંચ જુદા-જુદા બનાવો સામે આવ્યા છે. અલગ અલગ વિસ્તારમાં બે મહિલા સહિત પાંચ લોકો પર હુમલો થતા ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી રોડ પર આવેલી મારવાડી યુનિવર્સિટીમાં રાત્રિના ૧૦:૩૦ વાગ્યાની આસપાસ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે. અહીં અભ્યાસ કરતો અને મૂળ બિહારનો વતની સુધીર યાદવ નામનો નર્સિંગનો વિદ્યાર્થી યુનિવર્સિટી પરિસરમાં હતો, ત્યારે કોઈ અગમ્ય કારણોસર અન્ય એક અજાણ્યા વિદ્યાર્થીએ તેની સાથે ઝઘડો કર્યો હતો. અજાણ્યા શખ્સે સુધીરને ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો અને ત્યારબાદ હુમલાખોર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત છાત્રને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. બીજા એક બનાવમાં, હુડકો ફાયર બ્રિગેડ પાસે આવેલા આશાપુરા નગર-૧ માં રહેતા ઇલાબેન મનજીભાઈ સોઢા (ઉં.વ. ૫૦) સાંજના ૭:૦૦ વાગ્યાની આસપાસ પોતાના ઘર પાસે હતા, ત્યારે તેમના પતિ મનજીભાઈએ કોઈ પારિવારિક બાબતે ઉશ્કેરાઈને ઇલાબેન પર ધોકા વડે હુમલો કરી દીધો હતો. ધોકાના ફટકા વાગવાથી ઈજાગ્રસ્ત થયેલા આધેડ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
ત્રીજા બનાવમાં શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી મિયાડાવાળી શેરી નંબર ૧૫માં રહેતા મેહુલભાઈ ભગવાનજીભાઈ બાથી (ઉં.વ. ૩૫) રાત્રિના ૧૦:૩૦ વાગ્યે પોતાના ઘરે હતા, ત્યારે ઘરના કોઈ પ્રશ્ને તેમની પત્ની સાથે બોલાચાલી થઈ હતી. વાત વધતા પત્નીએ આવેશમાં આવી પતિ મેહુલભાઈને ઢીકાપાટુનો માર મારી દીધો હતો, જેથી યુવકને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ચોથા બનાવમાં મોરબી રોડ પર હડાળા અને કાગદડી ગામ વચ્ચે આવેલી પિતૃકૃપા સોસાયટીમાં રહેતી પદમાબેન (ઉં.વ. ૪૧)એ તેના પતિ કરણભાઈ ભંડારીને દારૂ પીવાની ના પાડી હતી. જેને લઈ ઉશ્કેરાઈને પતિ કરણભાઈએ પત્ની પર હુમલો કરી, પીઠના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાંચમા બનાવમાં, કુવાડવા ગામમાં રહેતા કિશન રણછોડભાઈ પરમાર (ઉં.વ. ૩૭) ગત તા. ૧૭ મેના રોજ બપોરના ૪:૦૦ વાગ્યાની આસપાસ ધમલપર ગામમાં ગયા હતા. ત્યાં કોઈ જૂની અદાવત કે ત્વરિત ઝઘડામાં ભરત નામના શખ્સે કિશનભાઈ પર ધોકા વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. ઈજાગ્રસ્ત કિશનને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને કુવાડવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

