તારૂ પાકીટ બતાવ કહી ઝપાઝપી કરી, છરી બતાવી ઘા ઝીંકી દેવાની ધમકી આપી, પાકીટમાંથી પાંચ હજારની રોકડ કાઢી નાસી ગયા : પોલીસે બંનેને દબોચ્યા
Harpalsinh Jadeja,Rajkot,તા.25
ચુનારાવાડ ચોકમાં યુવકને છરીની અણીએ લૂંટી લેવાયાનો બનાવ સામે આવ્યો છે. યુવાન રાત્રીના ચુનારાવાડ ચોક પાસે હતો. ત્યારે નામચીન લખન ઉર્ફે બચુ સહિત બે શખસોએ યુવકને છરી બતાવી ધમકી આપી પાકીટમાં રાખેલા રોકડ રૂ. 5,000 ની લૂંટ ચલાવી હતી. જે અંગે થોરળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે બેલડીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
લૂંટના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કટારીયા ચોકડી પાસે રંગોલી પાર્ક આવાસ ક્વાર્ટર નંબર ક્યુ 102 માં રહેતા પ્રદીપ રાજેશભાઈ શુક્લ (ઉ.વ.37) દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે લખન ઉર્ફે બચુ અને તેની સાથેના અજાણ્યા શખસનું નામ આપ્યું છે. તા. 14/5 ના સાંજના સાતેક વાગ્યે તે કારખાનેથી બાઈક લઈ રાત્રીના સવા આઠેક વાગ્યે આસપાસ ચુનારાવાડ ચોક પાસે પાનની દુકાને બાઈક રાખી વિમલ લેવા માટે ગયો હતો. બાદમાં પરત આવતા તેના બાઈક પર બે અજાણ્યા શખસો બેઠા હોય તેથી તેણે તેમના ઉભા થવાનું કહેતા એક શખસે તેને કહ્યું હતું કે, ગાંજો જોઈએ છે? જેથી યુવાને ના કહી હતી બાદમાં તેની સાથે રહેલ અન્ય શખસે કહ્યું હતું કે તને કોઈની હવા છે બાદમાં બંને કહેવા લાગ્યા હતા કે, અમે તને કહી તેમ તું કર ત્યારબાદ બંને શખસોએ યુવાનને તારું પાકીટ બતાવ યુવાને પાકીટ બતાવવાની ના કહેતા ઝપાઝપી કરી આરોપીએ છરી કાઢી છરીના ઘા મારી દેવાની ધમકી આપી તેની પાસે રહેલ પાકીટમાંથી રોકડ રૂપિયા 5,000 કાઢીને પાકીટ પરત આપી દીધું હતું. ત્યારબાદ આ બંને શખસો અહીંથી ચાલ્યા ગયા હતા. લૂંટના આ બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એસ.પી. સોઢાના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી નામચીન લખન ઉર્ફે બચુ સહિત બંને શખસોને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસો પૈકી લખન સામે અગાઉ ચોરીના સંખ્યાબંધ ગુના નોંધાઇ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.

