New Delhi, તા.29
CBSE ધોરણ 12ના પરિણામો જાહેર થયા બાદ સર્જાયેલો વિવાદ ખૂબ ચર્ચામાં છે. `ઓન-સ્ક્રીન માર્કિંગ’ (OSM) સિસ્ટમમાં રહેલી ખામીઓ અને પરિણામોમાં વિસંગતતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ છે.
બોર્ડે સત્તાવાર રીતે રી-ઇવેલ્યુએશન વિન્ડો ખોલી દીધી છે, જેના અંતર્ગત અત્યાર સુધીમાં 11 લાખથી વધુ ઉત્તરવહીઓની તપાસ માટે વિનંતીઓ આવી ચૂકી છે. CBSEએ આ વર્ષે ધોરણ 12 માટે `ઓન-સ્ક્રીન માર્કિંગ’ સિસ્ટમ લાગુ કરી હતી.
આ પદ્ધતિમાં શિક્ષકો ભૌતિક ઉત્તરવહીને બદલે ડિજિટલ સ્કેન કરેલી નકલો તપાસે છે. બોર્ડનો ઉદ્દેશ્ય તપાસ પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાનો હતો, પરંતુ પરિણામો જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ફરિયાદોનું પૂર આવ્યું હતું.
વિદ્યાર્થીઓના એવા આક્ષેપો છે કે નવી સિસ્ટમમાં અસ્પષ્ટ અને અડધી-અધૂરી સ્કેન કરેલી ઉત્તરવહીઓ હતી. કેટલાક જવાબો તપાસ્યા વગર જ છોડી દેવાયા હતા. ટોટલિંગમાં ગંભીર ભૂલો,ઓનલાઈન પોર્ટલ ક્રેશ થવાની સમસ્યા હતી.

