સત્સંગની આવક સેવાકાર્યોમાં વપરાય છે
(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar,તા.01
પવિત્ર અધિક માસ નિમિત્તે Manavadar શહેરમાં ઠેર-ઠેર ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ અંતર્ગત માણાવદરના સ્થાનિક ’પુરુષોત્તમ સત્સંગ મંડળ’ની બહેનો દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર માસમાં ભગવાનની આ કથા શ્રવણનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો હતો.
આ ધાર્મિક મહોત્સવ પ્રસંગે જાણીતા વિદ્વાન શાસ્ત્રી રમેશચંદ્ર જાનીએ સત્યનારાયણ ભગવાનની મહિમાવંતી કથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવ્યું હતું. કથા દરમિયાન ભગવાન સત્યનારાયણના વિવિધ પ્રસાંગો અને તેના મહત્વને શાસ્ત્રીજીએ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યા હતા, જેને સાંભળીને ઉપસ્થિત તમામ ભક્તજનો ભાવવિભોર બન્યા હતા. કથાની સાથે સાથે મંડળની બહેનો દ્વારા પરંપરાગત ગોરમાનું પૂજન પણ વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, Manavadarનું આ પુરુષોત્તમ સત્સંગ મંડળ છેલ્લા ૧૫ વર્ષથી સતત ભક્તિ આરાધનાનું કાર્ય કરી રહ્યું છે. આ મંડળમાં કુલ ૨૫ બહેનોનું સક્રિય ગ્રુપ જોડાયેલું છે. આ બહેનો કોઈપણ જાતનો ચાર્જ લીધા વિના, તદ્દન વિનામૂલ્યે લોકોના ઘરે-ઘરે જઈને સત્સંગ અને ભજન-કીર્તન કરે છે અને ભક્તિનો પ્રચાર-પ્રસાર કરે છે.
આ મંડળની સૌથી મોટી અને પ્રશંસનીય વિશેષતા એ છે કે, ઘરે-ઘરે સત્સંગ કરવા દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા જે કંઈ પણ યથાશક્તિ ભેટ અથવા આવક પ્રાપ્ત થાય છે, તેનો ઉપયોગ મંડળ પોતાના અંગત સ્વાર્થ માટે નથી કરતું. આ તમામ ભંડોળ અને આવકને ગરીબો, જરૂરિયાતમંદોની સહાયતા અને અન્ય સામાજિક સેવા કાર્યોમાં વાપરવામાં આવે છે. મંડળની બહેનોની આ નિઃસ્વાર્થ ભક્તિ અને સેવાભાવનાને સમગ્ર માણાવદર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.

