(જીજ્ઞેશ પટેલ દ્વારા)
Manavadar તા.01
પવિત્ર અધિક માસ નિમિત્તે Manavadar શહેરમાં ઠેર-ઠેર ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન થઈ રહ્યું છે. સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં શ્રદ્ધાળુઓ હોંશે-હોંશે વિવિધ ધાર્મિક ઉત્સવોમાં સહભાગી થઈ રહ્યા છે.
આ ધાર્મિક પરંપરાના ભાગરૂપે માણાવદરના રામ મંદિર મહિલા સત્સંગ મંડળની બહેનો દ્વારા એક વિશેષ ભક્તિમય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સત્સંગ મંડળની બહેનો દ્વારા શહેરના પ્રાચીન રામજી મંદિર ખાતે ભગવાનને ભાવપૂર્વક ૫૬ ભોગનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. અધિક માસ નિમિત્તે આ મંડળની બહેનો દ્વારા સતત અલગ-અલગ ધાર્મિક પ્રવૃત્તિઓ વેગવંતી બનાવવામાં આવી છે.
રામ મંદિર ખાતે આયોજિત આ ઉત્સવમાં માત્ર અન્નકૂટ જ નહીં, પરંતુ સત્સંગ મંડળની બહેનો દ્વારા ભગવાનના ભજનો સાથે રાસની રમઝટ પણ બોલાવવામાં આવી હતી. ભક્તિના આ અનોખા સંગમ સમાન કાર્યક્રમમાં અનેક ભક્તો જોડાયા હતા. આ ભવ્ય ૫૬ ભોગના અન્નકૂટ દર્શન તેમજ મહાપ્રસાદનો બહોળી સંખ્યામાં દર્શનાર્થી બહેનોએ ઉપસ્થિત રહીને ધન્યતાપૂર્વક લાભ લીધો હતો

